- તંત્રએ જ બનાવેલા ઉપયોગી શૌચાલયો તોડી સરકારી નાણાના વેડફાટનો આક્ષેપ
- સોશિયલ ક્લબથી ખાડમાં પ્રવેશતા સુધી, જીમખાના ગ્રાઉન્ડને અડીને કાંસ ઉપરથી માહિતી ભવન તરફ શેડ સહિતના કાચા- પાકા દબાણો દૂર
- શૌૈચાલયો મંજૂર કરતા અને સ્થળ નિરીક્ષણ વખતે તત્કાલિન અધિકારીઓ દ્વારા દબાણની નોંધ કેમ ન લેવાઈ ?
નડિયાદ શહેરના ખાડ વિસ્તારમાં આજે મનપાની ટીમ ત્રાટકી હતી અને વરસાદી કાંસની લાઈન ઉપરથી શૌચાલયો સહિત ૪૦થી વધુ કાચા- પાકા દબાણોનો સફાયો કર્યો હતો. સરકારી યોજના હેઠળ બનાવાયેલા ૧૫ જેટલા શૌયાલયોને પણ તોડી પડાતા મનપા તંત્રએ જ સરકારી યોજનાના નાણાંનો વેડફાટ કર્યો હોવાના આક્ષેપ ઉઠયા છે.
નડિયાદ શહેરમાં ચોમાસા પૂર્વે હાલ વરસાદી કાંસની સફાઈ ચાલી રહી છે. કાંસની સફાઈમાં અનેક સ્થાનોએ દબાણો નડતર બની રહ્યા છે. તેવા સંજોગોમાં આજે નડિયાદ મનપા પ્રશાસનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ વિભાગે ખાડ વિસ્તારમાં વરસાદી કાંસની લાઈન પર બનાવાયેલા દબાણો દૂર કર્યા હતા. સોશિયલ ક્લબથી ખાડમાં અંદર પ્રવેશ્યા બાદ ૫૦ મીટર પછી આગળના ભાગેથી શૌચાલયો અને પતરાના શેડ તોડવાનું શરૂ કરાયું હતું. જે બાદ આગળ સીટી જીમખાના ગ્રાઉન્ડને અડીને આવેલી વરસાદી કાંસ ઉપ છેક માહિતી ભવનની સામે સુધી પણ દબાણો દૂર કર્યા હતા. અંદાજે ૪૦ જેટલા આવા કાચા-પાક્કા અને પતરાના શેડ સાથેના શૌચાલયો અને દબાણો તોડી નખાયા હતા.
નડિયાદ શહેરમાં તોડી પડાયેલા અંદાજે ૧૫ જેટલા શૌચાલયો તો સરકારી યોજના હેઠળ ગ્રાંટ મંજૂર કર્યા બાદ બનાવાયેલા હતા. ત્યારે જે-તે સમયે શૌચાલયો મંજૂર કરતા અને સ્થળ નિરીક્ષણ કરતી વખતે જવાબદાર સરકારી અધિકારીઓ દ્વારા આ કાંસ પર દબાણ થઈ રહ્યુ છે, તે અંગે કોઈ નોંધ કેમ લેવાઈ નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકારી નાણાં ફાળવ્યા બાદ શૌચાલયો બનાવી અને તે તોડી નાખી હવે સરકારી જ ગ્રાંટનો દૂર વ્યય થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે.
- દબાણો હટાવી કાંસ સાફ કરાશે તો શું શહેરમાં પાણી નહીં ભરાય ?
મનપા દ્વારા શહેરના જે ભાગમાંથી કાંસ બહાર નીકળી રહી છે, ત્યાં દબાણો દૂર કરી સફાઈ કરવામાં આવનાર છે. જેના કારણે ચોમાસામાં શહેરમાં પાણીનો ભરાવો નહીં થાય તેવા સવાલો નાગરિકો કરી રહ્યા છે.
- વૈકલ્પિક વ્યવસ્થા માટે ત્વરિત નવું શૌચાલય શરૂ કરાયું
નડિયાદ મનપા દ્વારા સોશિયલ ક્લબ રોડ પર નવું જાહેર શૌચાલય બનાવ્યું છે. તેવા સંજોગોમાં આ શૌચાલય તત્કાલ શરૂ કરવાના નિર્દેશ પણ આપી દેવાયા હતા. જેથી અત્રે રહીશોના નજીકમાં શૌચાલયો તૂટયા હોવાથી તેમને કનડગત ન થાય અને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી આ જાહેર શૌચાલયનો ઉપયોગ કરી શકાય.


