અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા, જાણો કયા-કયા વિસ્તારમાં થઈ વાયરસની એન્ટ્રી
Coronavirus in Ahmedabad: વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે. દેશના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. દેશમાં 164 નવા કેસ નોંધાયા છે અને કુલ 257 એક્ટિવ કેસ છે. ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે. જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમના પણ આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે(20 મે) શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે. જેમાં વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારણપુરા અને બોપલ સામેલ છે. આ તમામ વિસ્તારોમાં એક-એક કેસ નોંધાયા છે. જેમાં પાંચ દર્દી 30 વર્ષથી નીચેની ઉંમરના છે. 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ આવ્યા છે.