Coronavirus Cases in Vadodara: દેશમાં ફરી કોરોનાનો કહેર શરૂ થયો છે, ત્યારે વડોદરા શહેરમાં આજે પ્રથમ દિવસે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા જરૂરી સેમ્પલ તપાસવાની કામગીરી સઘન બનાવી દેવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા રામદેવ નગરમાં 1, પશ્ચિમ ઝોન વિસ્તારના દિવાળીપુરા અને ભાયલી વિસ્તારમાં 4, જ્યારે ઉત્તર ઝોન વિસ્તારના છાણીમાં 1 મળી કુલ 6 કોરોના પોઝિટિવ કેસ જણાઈ આવ્યા છે. કોર્પોરેશન દ્વારા રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન આ કોરોના પોઝિટિવ કેસ જાણવા મળ્યા છે. કોરોના સંબંધિત કુલ 34 સેમ્પલ તપાસવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ-2025 દરમિયાન વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આજે ગુરુવારે કુલ 254 ટીમ દ્વારા 298 વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન 30,880 ઘરો તપાસીને 21,915 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે.
બીજી તરફ આજે 19 કન્સ્ટ્રક્શન સાઇટ ચકાસવામાં આવી હતી. આજ દિન સુધીમાં કુલ 76 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, આજે 13 સ્કૂલ-હોસ્ટેલમાં પણ તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 57 જેટલી સ્કૂલ-હોસ્ટેલને નોટિસ પાઠવવામાં આવી છે. કામગીરી દરમિયાન કુલ 3,963 વાહકજન્ય રોગ અટકાયત અંગેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
વાહકજન્ય રોગ શું છે?
વાહકજન્ય રોગએ એવા રોગો છે જે કેટલાક જીવંત જીવજંતુઓ (વાહકો) દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આવા જીવજંતુઓને "વાહક" (Vector) કહેવામાં આવે છે. વાહકજન્ય રોગ એ રોગ છે જે વાયરસ, બેક્ટેરિયા, પરાજીવી વગેરેને લઈને ચાલતાં જીવજંતુઓ દ્વારા ફેલાય છે. આ જીવજંતુ સામાન્ય રીતે ખૂણ, માખી, માછર, ટીસ, ઈત્યાદિ હોઈ શકે છે.


