ગામડાઓ પાસેથી શીખવા જેવું : કોરોનાનો કહેર વધતા ગામડાઓ ચેતી ગયા, આટલા ગામોએ સ્વયંભુ લોકડાઉન કર્યુ
અમદાવાદ, તા. 8 એપ્રિલ 2021, બુધવાર
દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મહામગરોની અંદર અત્યારે પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ થતી જાય છે. સુરત અને અમદાવાદની સ્થિતિ ભયાવહ બની રહી છે, હવે કોરોનાનો ફેલાવો ગામડાઓમાં પણ વધી રહ્યો છે. ત્યારે મહાનગરોએ રાજ્યના કેટલાક ગામડાઓ પાસેથી શીખવા જેવું છે. કોરોના ભરખી જાય અને બેકાબૂ બને તે પહેલા જ રાજ્યના કેટલાક ગામડાઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.
લોકો જાતે જાગૃત બન્યા છે અને કરોના વાયરસની આ ઘાતકી લહેરથી બચવા માટે સ્વયંભૂ લોકડાઉન અપનાવી રહ્યા છે. શહેરોની અંદર વેપારીઓ દ્વારા પણ સ્વયંભૂ લોકડાઉનના નિર્ણયો લેવાઇ રહ્યા છે. અમદાવાદના સોલા વિસ્તારના વેપારીઓ શનિ રવિ દુકાન બંધ રાખશે. આ સિવાય ગાંધીનગરનું ખારેજ ગામ, બગસરા તાલુકાનું હામાપુર ગામ, જૂનાગઢના વંથલી તાલુકાનું શાંતલપુર ગામ, રાજકોટ જિલ્લાના કટલાક ગામડાઓએ સ્વયંભુ લોકડાઉન લાગુ કર્યા છે.
મોરબીના હડમતિયા ગામે સ્વયંભૂ લોકડાઉન નિર્ણય કર્યો છે. મોરબી બાદ દેવભૂમિના દેવળીયા, કલ્યાણપુર, રાવલ અને કાનપર શેરડી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું. આ તમામ ગામોમાં બપોર બાદ દુકાનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા અડધો દિવસ જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સિવાય ખેડા, પાલનપુર, ડીસા, નવસારી વગેરે અનેક વિસ્તારોમાં સ્યંભૂ લોકડાઉન અને આંશિક લોકડાઉન લાગુ થયા છે.