સુરત,તા.15 જુલાઈ 2020 બુધવાર
બેંકો ચાલુ રહી હોવાથી ખાતેદારો સાથેના વ્યવહારને કારણે બેંક કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડવાના કિસ્સા એકદમ વધી ગયાં છે. એક કર્મચારીનું મોત અને 235 થી વધુ કોરોના પોઝિટિવ કેસોને કારણે કર્મચારીઓ ફફડી ગયા હોઇ, બેન્કિંગ કામકાજના સમયમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ યુનિયન તરફથી ઉઠાવવામાં આવી છે. સુરતમાં બેંકોની બ્રાંચોમાં 15000 કર્મચારીઓ છે.
બેંકની એવી ઘણી શાખાઓ સૌથી જોખમરૃપ વિસ્તારમાં આવેલી છે. આવી જોખમી શાખાઓને તાત્કાલિક બંધ કરવાની જરૃર છે. ખાતેદારો સાથેના વ્યવહારને કારણે વધુને વધુ બેંક કર્મચારીઓ કોરોનાની અસર તળે આવ્યાં છે. ચેપ વધું નહીં ફેલાય અને બેંક કર્મચારીઓની સલામતી માટે પગલાં લેવાની ખૂબ જ જરૃર છે, એમ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસો. અને મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો.ને જણાવ્યું છે.
શહેરની બેંક શાખાઓ કોરોના માટેના સુપર સ્પેડર્સ નહીં બની જાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાંની બેંક શાખાઓ કામચલાઉ બંધ કરવામાં આવે, અન્ય વિસ્તારમાંની શાખાઓનો સમય સવારે 10 થી 2 કરવામાં આવે તથા ઘટાડેલા સ્ટાફ સાથે એક દિવસના અંતરે ખોલવામાં આવે અને બેંકની શાખાઓમાં થર્મલ સ્ક્રીનીંગ અને સેનેટાઈઝર ની વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી માંગ છે.

