- ગયા મે મહિનામાં 7 તારીખે સૌથી વધુ 989 કેસ નોંધાયા બાદ કોરોનાના વળતા પાણી થયા હતા
- હાલની સ્થિતિમાં લોકોએ તકેદારી રાખવી ખૂબ જરૂરી
વડોદરા, તા. 29
વડોદરામાં છેલ્લા બે મહિનામાં કોરોના ના કેસો ઝીરો થી વધીને 17 થયા છે. હાલ જે આંકડો જોવા મળે છે તે જૂન મહિનામાં નોંધાયેલા 18 કેસની લગોલગ પહોંચી ગયો છે. કોરોના ની બીજી લહેરે ગંભીર સ્થિતિનું નિર્માણ કરીને લોકોને ધ્રુજાવી દીધા હતા, પરંતુ મે મહિનામાં તારીખ 7મી એ સૌથી વધુ 989 કેસ નોંધાયા બાદ કોરોનાના વળતા પાણી થયા હતા. એ પછી કોરોના કેસોનો ધરખમ ઘટાડો ચાલુ રહ્યો હતો. એમાંય તારીખ 19 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર સુધી વડોદરામાં એક પણ કેસ નોંધાયો ન હતો. જો કે તારીખ 23 ઓકટોબરે વડોદરામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો, એ પછી કેસોમાં ધીમો વધારો શરૂ થયો છે. તારીખ 24 ઓક્ટોબરે શહેરમાં બીજો કેસ મળ્યો હતો અને તારીખ 31 ઓક્ટોબર સુધીમાં 6 કેસ થઇ ગયા હતા. જો કે તારીખ 9 ડિસેમ્બરે કેસ બે આંકડા પર પહોંચી ગયા હતા. તે દિવસે શહેરમાં 12 કેસ નોંધાયા હતા .તારીખ 7મી મેના રોજ સૌથી વધુ 989 કેસ નોંધાયા ત્યારે 10521 ટેસ્ટ કરવામાં આવેલા હતા .તારીખ 28 ડિસેમ્બરે 17 કેસ હતા અને 5674 ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના હેલ્થ બુલેટિન માં છેલ્લે 18મી જૂને વડોદરામાં કોરોના થી એકનું મૃત્યુ થયું હોવાનું દર્શાવ્યું હતું .એ સમયે કોરોના થી મૃત્યુઆંક 623 હતો, ત્યારથી અત્યાર સુધી કોરોના ને લીધે કોઈ મૃત્યુ થયું નથી. જૂની કોઈ બીમારી ધરાવનાર કોરોના ના દર્દી નું મૃત્યુ થયું હોય તો તેનો સમાવેશ સત્તાવાર મૃત્યુઆંકમાં કરવામાં આવતો નથી. તાજેતરમાં કોરોના ના એક બે દર્દીના મૃત્યુ થયા છે, પરંતુ તેમનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. દરમિયાન કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ કંઈ ગંભીર જણાતી નથી, પરંતુ લોકોએ તકેદારી રાખવી પડશે.


