કોરોના + આંધળૂકિયા : નિષ્ણાંત તબીબોની નવી હરોળનું ભાવિ જ અંધકારમય!
- મેડિકલ - પેરામેડિકલ સ્ટુડન્ટ્સને ડયૂટી સોંપવી ગુનાહિત કૃત્ય
- પી.જી. સ્ટુડન્ટ્સ રેસિડન્ટ ડોકટરો પણ બગડતા અભ્યાસથી નાસીપાસ
ઓર્થો, ડેન્ટલ, ન્યૂરો, ગાયનેક જેવી બ્રાંચોના ઉગતા તબીબો નિપુણતા ગૂમાવી બેસશે! લોકડાઉનમાં તબીબી સગવડો ઊભી કરવામાં નાકામ રહેલા શાસકોએ નબળાઈ ઢાંકવા છાત્રોને ઢસડવા માંડયાનો રોષ
રાજકોટ, તા. 22 જુલાઈ, 2020 બુધવાર
મહામારી કોવિડ-૧૯ના કહેર વચ્ચે હેલ્થ કેર સેકટરનું મહત્વ ઔર વધી ગયું છે. આમ આદમીને તો એની પ્રતીતિ છે જ, પરંતુ સત્તાધીશોમાં દૂરંદેશીના અભાવને કારણે હાલ કોરોના કે એ સિવાયના રોગોની સારવાર પણ દુષ્કર બની છે. આટલું અપુરતું હોય તેમ સરકારે મેડિકલ - પેરા મેડિકલ કોર્સીસના તમામ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ સહાયક સહિતની ડયૂટી સોંપવાનું જાહેર કરતાં તેમજ પોસ્ટ ગ્રજેયુએશનની કેટલીક અસંગત બ્રાંચોના સ્ટુડન્ટ્સને પણ કોરોના સારવારમાં જોતરી દેતાં તબીબોની નવી હરોળનું ભાવિ અંધકારમય બની રહ્યું હોવાનો ઘૂંઘવાટ પ્રવર્તી રહ્યો છે. પીઢ તબીબો તો ત્યાં સુધી કહે છે કે સરકારના અવિચારી - ધરાર નિર્ણયોને લીધે ભવિષ્યમાં પ્રજાને અર્ધદગ્ધ તબીબો નસીબ બને તો પણ નવાઈ નહીં!
ગુજરાતમાં સરકારે તાજેતરમાં જ જાહેર કર્યુે હતું કે, એમબીબીએસ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપથી, નર્સિંગ, માઈક્રો બાયોલોજીના તમામ વર્ષનાૌ છાત્રોનો કોરોના સારવારલક્ષી ઉપયોગ કરાશે. આને અનુલક્ષીને દરેક જિલ્લા કક્ષાએ આવા વિદ્યાર્થીઓને તાલીમ આપવાની તજવીજ પણ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભમાં જાણકાર તબીબોનું કહેવું છે કે, ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૧ અને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ-૧૯૫૬ ની પણ જોગવાઈ મુજબ આવું કૃત્ય ગેરકાયદે તથા સજાને પાત્ર કહી શકાય! સાડાચાર વર્ષના એમબીબીએસ કોર્સ પછી એક વર્ષની ઈન્ટર્નશીપ વખતે પ્રોવિઝનલ નંબર, અને ઈન્ટર્નશીપ પૂરી કર્યા પછી જ મેડિકલ કાઉન્સિલ તરફથી પરમેનન્ટ રજીસ્ટ્રેશન મળે એવી કાયદાકીય જોગવાઈ છે. આવા જ નિયમ અન્ય બ્રાંચોને પણ લાગુ પડતા હોય. આથી, અભ્યાસના તબક્કે તેમને કામ સોંપી ન શકાય. સહાયક તરીકે રાખવાથી પણ તેમનું ભણતર બગડે એ તો નક્કી જ.
આ ઉપરાંત, એક પણ રજા વિના કામ કરતા રેસિડન્ટ ડોકટરો પણ વિદ્યાર્થી જ ગણાય છે. તેમાંના ગાયનેક, ઓર્થોપેડિક, ઓપ્થેલ્મોલોજી, ન્યૂરો, ડેન્ટલ વગેરે બ્રાન્ચના પી.જી. સ્ટુડન્ટને પણ કોરોના ડયૂટી સોંપવાથી બે આડ અસર થાય છે : એક, તેમને મેડિસિન કે એનેસ્થેશિયા કે પલ્મનોલોજી કે ઈન્ટેન્સીવ કેર જેવું કશું એકસપર્ટાઈઝેશન શીખવાનું ન હોવા છતાં આવી બ્રાન્ચોને લગતી કોવિડ ટ્રીટમેન્ટમાં ગૂંથાવું પડે છે. અને બે ચાર-છ - આઠ મહિના કે એથી વધુ સમય આમાં બગડવાથી તેઓ પોતાની વિદ્યાશાખામાં નિપુણતા મેળવી શકશે કે કેમ એ જ મોટો પ્રશ્ન છે! ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની તેમણે ચૂકવેલી ફી પણ બાતલ જઈ શકે છે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પણ આવી બાબતોમાં આંખ આડા કાન કરી રહ્યાં હોવાથી નારાજગી વ્યાપી છે માર્ચ મહિનાની ૨૫ તારીખથી સવા બે મહિના લોકડાઉન લદાયું તેનો એક મુખ્ય ઉદેશ એ હોવો જોઈતો હતો કે એ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં હજારો બેડ વધારી દેવામાં આવે, શહેરથી દૂર પણ મેદાનો સ્ટેડિયમો સહિતના સ્થળે આઈસોલેટેડ વોર્ડ ઊભા થઈ જાય, દવાઓ તેમજ વેન્ટીલેટર ઉપલબ્ધ બનાવી દેવાય અને ખાસ તો સારા પેકેજ સાથે હજારો તબીબોની ભરતી કરી દઈ શકાય. પરંતુ બદકિસ્મતીથી રાજયની કે કેન્દ્રની સરકાર આમાંનું થોડું ક જ કરી શકી! પોતાની નબળાઈ ઢાંકવા સરકારે છાત્રોને ડયૂટી પર લેવા માંડયા તે મુદ્દે ઘૂંઘવાટ છે.
સોશ્યલ મીડિયામાં યુવા તબીબની ક્લિપ વાયરલ સેલિબ્રિટી ડોકટરોનું જીવલેણ મૌન સહૂથી દુ:ખદાયક
'એસ્મા' કે એપિડેમિક એકટની ધમકી આપવાને બદલે સારા પગારથી તબીબોની ભરતીને સરકાર અગ્રતા આપે
'અપૂરતો સ્ટાફ અને કામનું વધુ પડતું ભારમ. અકળાવનારી પી.પી.ી. કિટ અને માસ્ક સાથે મહિનાઓ સુધી બિન આરોગ્યપ્રદ રીતે અમારી પાસેથી કામ કરાવવું એ અમાનવીય છે...' સોશ્યલ મીડિયામાં ઠલવાતી રહેતી ડોકટરોની ક્લિપ્સ વચ્ચે જુદી જ તરી આવતી આ વ્યથામાં એક યંગ ડોકટરે હાલની તેમજ ભવિષ્યની સ્થિતિનો ટૂંકો પણ અસરકારક ચિતાર આપ્યો છે.
વડાપ્રધાન, આરોગ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ તથા માનવ અધિકાર પંચને આ 'હમ્બલ પિટિશન'નાં અંતમાં પોતાનું નામ ડો. રાજસ દેશપાંડે ટાઈપ કરનાર આ ડોકટર કહે છે કે, બહૂ મોડું થઈ જાય એ પહેલાં અમારી આવાનારી પેઢી (નવા તબીબો)ને બચાવી લો. સૌથી બદતર બાબત છે પોસ્ટ ગ્રેજયુએટ સ્ટુડન્ટ્સને પડાતી કોવિડ વર્કની ફરજ. તેમના અભ્યાસનો પ્રત્યેક દિવસખૂબ મહત્વનો હોય છે છતાં સ્કીન, આઈ, ન્યૂરો, ઓર્થો જેવી બ્રાંચોના પી.જી. સ્ટુડન્ટને પણ કોવિડ વોર્ડમાં ડયૂટી આપીને આપણે અધકચરી તાલીમવાળા ડોકટરોની પેઢી જ ઊભી કરીશું! આમાં અનેક તબીબના મોત નિપજયાં અને સંખ્યાબંધ સંક્રમિત પણ થયા છે, જયારે ઘણાં તો નાસીપાસ થઈ ગયા હોવાથી દુ:ખદાયક પરિણામો આવી શકે છે...
'સેંકડો નોન કોવિડ પેશન્ટોની હાલ અવગણના થઈ રહી છે, કેમ કે તેમાં ડોકટર તો કોવિડ ડયૂટી પર છે! એસ્મા અને એપિડેમિક એક્ટની ધમકી આપ્યે રાખવાને બદલે સરકારે પી.જી. લેવલે જનરલ મેડિસિન અને ઈન્ફેકશીયસ ડીસીઝના નિષ્ણાંતો માટે હજારો સીટ વધારી દેવી ઘટે, તેમજ નવા -યુવાન ડોકટરોની સારા પગારથી ભરતી કરીને તેમનાં માટે વ્યવહારૂ - માનવીય ડયૂટી શેડયૂઅલ ઘડવા જોઈએ. એસ્મા અને એપિડેમિક એકટની વાતો કરનારા (નેતાઓ)ને મન ખરેખર તો અન્ય તમામ પ્રોજેકટ કરતાં અગ્રક્રમે એ જ હોવું જૂએ કે ડોકટરોને સારા પગાર મળતાં થાય.'
આ યુવા તબીબ ઉમેરે છે, 'સૌથી દુખ:ખદાયક બાબત છે દેશભરના સેલિબ્રિટી ડોકટરોનું જીવલેણ મૌન! જેઓ પોતાના ઉપદેશોમાં વારંવાર માનવતાની સલાહ આપતાં જોવા મળે છે તેમણે હવે જયારે તબીબી વિદ્યાર્થીઓની આખી પેઢી નાશ પામી રહી છે ત્યારે બોલવું જ જોઈએ.'