Get The App

વસોના નવાગામ (પે) કુંડાળા સીમના 100 વીઘા ખેતરમાં કાંસના પાણી ઘૂસ્યા

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
વસોના નવાગામ (પે) કુંડાળા સીમના 100 વીઘા ખેતરમાં કાંસના પાણી ઘૂસ્યા 1 - image


- કાંસની સફાઈ નહીં કરાતા સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ

- આંબલિયા, કુંડાળા અને ક્યારી વિસ્તારમાં પાણી ભરાઈ જતા ડાંગરનો પાક ડૂબી જવાથી ખેડૂતોને નુકસાન

નડિયાદ : ચોમાસા પહેલા નહેરો અને કાંસોની સફાઈ કરવા છતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે. વસો તાલુકામાં નવાગામ પેટલી સીમમાં આંબલિયા વિસ્તારમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ૧૦૦ વીઘા જેટલા ખેતરોમાં ડાંગરનો પાક ડૂબી જવા પામ્યો છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી ખેડૂતોની હાલત થવા પામી છે.

વસો તાલુકાના નવાગામ (પે)થી પેટલી ગામનો કાંસ આવેલો છે. કાંસની છેલ્લા ઘણા સમયથી સફાઈ કરવામાં દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જિલ્લામાં સત્તાધીશો દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા વરસાદી પાણી ભરાઈ ન રહે માટે કાંસોની સફાઈ કરવા આયોજન કરી લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે. છતાં નવાગામ (પે) સીમમાં કુંડાળા તેમજ ક્યારી સીમ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. 

હાલમાં ખેડૂતોએ ખેતરમાં ખેડ ખાતર તેમજ મોંઘા ભાવના ધરું તૈયાર ડાંગરની રોપણી કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદના કારણે આંબલીયા, કુંડાળા તેમજ ક્યારી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરનો પાક બોરાણમાં ગયેલો છે જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નવાગામ (પે)થી પેટલી તરફ જતા કાંસમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરિસ્થિતિ સર્જાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. 

ખેડૂતોની આડોડાઈથી કાંસની સફાઈ અધૂરી રહી : ના.કા. ઈજનેર- ખંભાત

વસો તાલુકાના નવાગામ સીમમાં ભરાઈ રહેલા પાણી બાબતે કાંસ ખાતાના ખંભાતના નાયબ કાર્યપાલક ઇજનેર કે.એ. પટેલે જણાવ્યું હતું કે, કાંસની સફાઈ માટે મશીનો મોકલવામાં આવ્યા હતા. પરંતુ અમુક ખેડૂતોની આડોડાઈના કારણે કામમાં અવરોધ સર્જાયો હતો જેના કારણે પાણીનો નિકાલ ધીમી ગતિએ થઈ રહ્યો છે. 

Tags :