કંપનીઓમાંથી કોપરની ચોરી કરતી ગેંગના પાંચ ઝડપાયા
રિક્ષામાં ચોરી કરવા જતાં હતાં ઃ ચોરીનું કોપર ખરીદનાર ભંગારના વેપારીની પણ ધરપકડ
વડોદરા, તા.31 વડોદરા જિલ્લામાં પોર જીઆઇડીસી તેમજ નજીકની કંપનીઓમાંથી કોપરની ચોરી કરતી ગેંગને વરણામા પોલીસે ઝડપી પાડી કોપરનો જથ્થો, રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરા નજીક આવેલા ઉટીયા ગામની સીમમાં આત્મીય ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી સાક્ષી ટ્રાન્સફોર્મર પ્રા.લી. કંપનીનું શટર ઊંચું કરી કોપર વાઇન્ડિંગ તેમજ કોપર તારના બોબીન મળી કુલ રૃા.૧.૬૨ લાખની મત્તા ચોરી થઇ હતી. આ અંગેની ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બાતમી મુજબ વરણામા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી એક રિક્ષાને રોકી તેમાં બેસેલ ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિને રિક્ષામાં રાખેલ કોપર અંગે પૂછપરછ કરતાં તે ચોરીનો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ટોળકી અન્ય ચાર કિશોરોને સાથે રાખી ચોરી કરતી હતી અને ચોરીનો મુદ્દામાલ જાંબુઆ બ્રિજની નજીક ભંગારની દુકાન ધરાવતા ગોપાલ શંકરભાઇ સામરીયાને વેચી દેતા હતાં. પોલીસે પપ્પુ દીતાભાઇ ડામોર (રહે.મકરપુરા એરફોર્સ પાસે, મૂળ રાજસ્થાન). સતિષ બાબુભાઇ ડામોર (રહે.જાંબુઓ બ્રિજ નીચે, મૂળ રાજસ્થાન), તેજમલ બહાદુર ડામોર (રહે.વોલ્મે કંપની હોલમાં, મકરપુરા, મૂળ રાજસ્થાન), ભીમરાજ છગનલાલ પરમાર (રહે.જ્યુપીટર સર્કલ, મકરપુરા, મૂળ રાજસ્થાન), રિક્ષા ચાલક ક્રિષ્ણા વિજય ગોદડીયા (રહે.જલારામનગર, ડભોઇરોડ) અને ભંગારના વેપારી ગોપાલ સામરીયાની ધરપકડ કરી બંનેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.