બાર અને બેંચના સમન્વયથી કેસોનો ઝડપી નિકાલ શકય છે : ચીફ જસ્ટિસ અરવિંદકુમાર


- ફોજદારી કોર્ટ ખાતેના કાર્યક્રમમાં વકીલોને ભવની સલાહ

અમદાવાદ,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

બાર અને બેંચ એ રથના બે પૈડા છે, તેમની વચ્ચે જો અસરકારક સમન્વય હોય તો કોર્ટોમાં પડતર કેસોનો ઝડપી અને અસરકારક નિકાલ શકય છે એમ ચીફ જસ્ટિસ અરવિદકુમારે અત્રે ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વકીલોને શીખ આપતાં જણાવ્યું હતું. ચીફ જસ્ટિસે નીચલી કોર્ટોમાં પડતર કેસોને લઇને ચિંતા વ્યકત કરી હતી અને કેસોના નિકાલની કામગીરીમાં વકીલોએ પણ એટલી જ તૈયારી અને માનસિકતા સાથે આગળ આવવા અનુરોધ કર્યો હતો. 

નીચલી કોર્ટોમાં વકીલો પૂરતી તૈયારી સાથે આવે તો કેસોના ઝડપી નિકાલની કામગીરી વધુ અસરકારક રીતે થઇ શકે, ભારણ ઘટી શકે 

શહેરની ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ જસ્ટિસ અરવિંદકુમારની સાથે ફોજદારી કોર્ટોના યુનિટ જજ એવા હાઇકોર્ટના જસ્ટિસ એ.જે.દેસાઇ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેટ્રોપોલીટન કોર્ટોના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.બી.પરીખ દ્વારા ગુજરાત બાર કાઉન્સીલના શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત ફોજદારી કોર્ટના ૨૬ વકીલોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ જસ્ટિસ અરવિંદકુમારે વકીલઆલમને ઉદ્દેશીને સંબોધન કરતાં જણાવ્યું કે, જયુડીશીયરી અને વકીલઆલમ એકબીજાના પૂરક છે, તેથી બંને વચ્ચે અસરકારક તાલમેલ અને સમન્વય બહુ જરૂરી છે. જયુડીશીયરીમાં કેસોના ઝડપી નિકાલ માટે આ સમન્વય બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે. ખાસ કરીને જો નીચલી કોર્ટોમાં વકીલો કેસની તમામ તૈયારી કરીને આવે અને દલીલો કરે તેમ જ પુરાવા રજૂ કરે તો કેસોના ઝડપી નિકાલની કામગીરી વધુ ઝડપી બની શકે. જે આપણને પડતર કેસોનું ભારણ ઘટાડવામાં અને તેના નિકાલ માટે બહુ મદદરૂપ થઇ શકે. 

મારા પિતાએ સમાજમાં ક્રાંતિ લાવવામાં એડવોકેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવા નિર્ધાર સાથે મારી કારકિર્દીનું આ વ્યવસાયમાં ઘડતર કર્યું એમ કહેતાં ચીફ જસ્ટિસ ઉમેર્યું કે, સમાજમાં વકીલોનું એક આગવુ સ્થાન અને મહત્વ છે, તેથી સામાજિક ઘડતરમાં પણ વકીલોની મહત્વની ભૂમિકા બની રહે છે. વકીલો ગરીબ, જરૂરિયાતમંદ અને ન્યાયવાંચ્છુ પક્ષકારોને ઝડપી અને અસરકારક ન્યાય અપાવવા માટે પણ સદાય તત્પર રહેવું જોઇએ, જે તેમના વ્યવસાયિક ચરિત્રને વધુ દિપાવશે. આ પ્રસંગે જસ્ટિસ એ.જે.દેસાઇએ પણ પ્રાસંગિક ઉદ્બબોધન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશન તરફથી ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ.જે.દેસાઇનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. 

City News

Sports

RECENT NEWS