સહકારી બેંકની ચૂંટણીએ ભાજપના ટોચના નેતાઓની ઉંઘ હરામ કરી

RBIના પરિપત્રની અમલવારી ભવિષ્ય નક્કી કરશે : દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ડોલર કોટેચા સહિતનાઓનો સહકારી ક્ષેત્રનો વનવાસ કે દબદબો તે અંગે વિટંબણા
જૂનાગઢ, : ભાજપના સહકારી ક્ષેત્રના અનેક આગેવાનોના રાજકારણ પૂરાં થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સહકારી બેંકોમાં ડિરેક્ટરપદે બે વાર રહી ચુક્યા હોય તે વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં તેવો આરબીઆઈનો વર્ષ 2023નો પરિપત્ર છે. હવે આ પરિપત્રનો અમલ વર્ષ 2023પછીથી કરવો કે અગાઉથી કરવો તે અંગેની સરકારમાં વિચારણા ચાલી રહી છે. ભાજપમાં જ આ પરિપત્ર અંગે ટોચની નેતાગીરીમાં અંદરોઅંદર વિખવાદ છે. જો અગાઉની અસરથી પરિપત્રની અમલવારી થાય તો દિલીપ સંઘાણી, જયેશ રાદડીયા સહિતનાઓ બેંકની ચૂંટણી લડી શકે નહીં.
ભાજપના સહકારી ક્ષેત્રના આગેવાનોમાં અંદરોઅંદર મોટાપાયે વિખવાદ ચાલી રહ્યો છે. તેમાંય હવે આરબીઆઈના પરિપત્રથી ભાજપમાં નવો વિવાદ સર્જાયો છે. આરબીઆઈના પરિપત્રની ક્યારથી અમલવારી કરવી તે અંગે ભાજપના ટોચના નેતાઓ સામસામે આવી ગયા છે. એક જૂથ એવું કહે છે કે, અત્યાર સુધીમાં બે વાર સહકારી બેંકના ડિરેક્ટર પદે રહી ચુક્યા હોય તેઓ હવે ચૂંટણી લડી શકે નહી તે મુજબ પરિપત્રની અમલવારી થવી જોઈએ. જ્યારે ભાજપનું બીજું જૂથ કહે છે કે, આરબીઆઈનો પરિપત્ર વર્ષ ર૦ર૩માં આવ્યો છે ત્યારબાદથી તેની અમલવારી થવી જોઈએ.
હવે આ પરિપત્રની કેવી રીતે અમલવારી કરવી તે મામલે ભાજપના ક્યા જૂથનો હાથ ઉપર રહે છે તે તો સમય જ બતાવશે. બે વાર ડિરેક્ટર રહી ચુક્યા હોય તેઓ ચૂંટણી લડી શકે નહી તેની આગામી ચૂંટણીમાં જ અમલવારી થાય તો રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા સહિત અનેક ડિરેક્ટરોને ચૂંટણી લડવામાંથી વનવાસ લેવો પડે તેમ છે. તેવી જ સ્થિતિ અમરેલી જિલ્લામાં થાય તેમ છે. અમરેલી જિલ્લા સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણી અને તેની સાથેના અનેક ડિરેક્ટરોને પણ ચૂંટણી લડવાની રહે નહી. તેવી જ રીતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ડોલર કોટેચા, જશા બારડ, જવાહર ચાવડા સહિતનાઓને જિલ્લા સહકારી બેંકની ચૂંટણી લડી શકાય નહી. જો વર્ષ 2023થી તેની અમલવારી ગણવામાં આવે તો આ તમામ નેતાઓનો સહકારી કારોબાર ચાલી શકે તેમ છે. હવે સરકાર આ મુદ્દે આગામી સમયમાં શું નિર્ણય કરે તે મહત્વનું બની ગયું છે. આરબીઆઈના આ પરિપત્રએ ભાજપના ટોચના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે.









