જૂનાગઢમાં ધારાસભ્યએ નબળા કામની યાદી મંગાવતા ભાજપમાં જ વિવાદ
સસ્તી પ્રસિધ્ધી માટે સક્રિય કાર્યકરોને ખંભે બંદુક રાખતા હોવાનો આક્ષેપ : ધારાસભ્યને તમામ બાબતની જાણકારી છે, આવા પત્રો લખી ભાજપને જ નુકસાન થતું હોવાનો સ્થાયી સમિતીના પૂર્વ ચેરમેનનો મત
જૂનાગઢ, : ભાજપમાં અંદરોઅંદર ચાલતો વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. ભાજપના ધારાસભ્યએ પત્ર લખી તુટેલા રસ્તાઓની યાદી મંગાવી હતી. હવે આ મુદ્દે સ્થાયી સમિતીના પૂર્વ ચેરમેને ધારાસભ્યને પત્ર લખી ભાજપના સક્રિયા સભ્યોના ખંભે બંદુક રાખી ફોડવાનું બંધ કરી સસ્તી પ્રસિધ્ધી મેળવવાની પ્રવૃતિ રહેવા દો, આવી સ્થિતિના કારણે પાર્ટી બદનામ થાય છે. ભાજપના ધારાસભ્યની વાતનો વિપક્ષ તો ઠીક પરંતુ ભાજપના જ હોદ્દેદારોએ વિરોધ શરૂ કર્યો છે.
ગત તા. 2ના જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પત્ર જાહેર કર્યો હતો કે, જૂનાગઢ મનપા હેઠળના જે વિકાસ કામો થયા છે તેમાં નબળા કામની યાદી ફોટોગ્રાફ્સ સાથે ભાજપના સક્રિય સભ્યો પાસેથી સાત દિવસમાં મંગાવી છે. આ યાદી આવ્યા બાદ ધારાસભ્ય કમિશનરને આપવાના છે. આ સમગ્ર મામલે વિપક્ષ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો કે, ધારાસભ્યની હોટલ પાસે તુટેલા રસ્તા છે જ આ ઉપરાંત ક્યાં રસ્તા તુટયા છે તેની તમામ વિગત ધારાસભ્ય પાસે છે. હવે આ મુદ્દે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી હરેશ પરસાણાએ ધારાસભ્યને પત્ર લખી જણાવ્યું કે, તમારા પત્રથી દુઃખની લાગણી અનુભવું છું, જે વિકાસ કાર્યો થયા તેની તમોએ અમુક વખત મુલાકાત લીધી છે અને ખાતમુહૂર્ત કર્યા છે. તમો 15 વર્ષથી વોર્ડ નં. 7ના નગરસેવક હતા આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ, સ્થાયી સમિતીના ચેરમેન રહી ચુક્યા છો જેના લીધે તમામ કામથી તમો માહિતગાર છો. ધારાસભ્ય તરીકે મહિનામાં એકવાર મનપાના અધિકારીઓ સાથે સંકલનની બેઠક કરો છો એટલે આપ મનપાના કામની તમામ સ્થિતિથી માહિતગાર છો. આપને ક્યાં કામ ચાલે છે ? કોના ચાલે છે ? કેવા ચાલે છે ? એ બધી જાણ છે છતાં પણ ભાજપના સક્રિય સભ્યોના ખંભે બંદુક રાખી ફોડવી એ વ્યાજબી વાત નથી. આવા પત્રોના કારણે ભાજપને નુકસાન થાય છે. જૂનાગઢ મનપામાં ભાજપનું જ શાસન છે અને આપ પણ ભાજપના જ ધારાસભ્ય છો અને આવા વારંવાર પત્રો લખવાથી ભાજપને મોટું નુકસાન થાય છે અને બદનામી થાય છે.
સ્થાયી સમિતીના પૂર્વ ચેરમેને આ અંગેની પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતનાઓને જાણ કરી છે. ભાજપમાં અંદરોઅંદર વિખવાદ ચાલતો હતો હવે આ વિવાદ સપાટી પર આવી રહ્યો છે. ભાજપના ધારાસભ્યની સામે તેમની જ પાર્ટીના હોદ્દેદાર ખુલીને વિરોધ કરી રહ્યા છે. શિસ્તબધ્ધ ગણાતી ભાજપમાં શિસ્તના ધજીયા ઉડી રહ્યા છે. આ અંગે ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, સ્થાયી સમિતીના પૂર્વ ચેરમેનના પત્રની મને જાણ નથી. મારે સરકાર કે મનપાને બદનામ કરવાનો કોઈ ઈરાદો નથી, ગેરંટી પિરીયડમાં તુટેલા રસ્તાઓની યાદી તૈયાર કરી કમિશનરને આપી તાત્કાલીક કામ થાય તે માટેનો પ્રયાસ છે. જેને જે રીતે અર્થ લેવો હોય તે લઈ શકે છે.