તરસાલી બાયપાસ ખાતેની પલાસ હાઈટ્સ વિવાદ : ગીરીરાજ ડેવલોપર્સના ભાગીદારો સામે કાનૂની લડત માટે રહીશોએ બાંયો ચઢાવી
Vadodara : વડોદરામાં તરસાલી બાયપાસ ખાતેની પલાસ હાઇટ્સના રહીશો અને ગીરીરાજ ડેવલોપર્સના ભાગીદાર મૃણાલીની અને ચિરાગ શાહ વચ્ચે અધૂરા બાંધકામ તથા દસ્તાવેજ મામલે પાછલા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આજે રહીશોએ ગીરીરાજ ડેવલોપર્સના ભાગીદારો સામે કાનૂની લડત માટે બાંયો ચઢાવવા સાથે કરતૂતો ઉજાગર કરી હતી.
પલાસ હાઈટ્સના રહીશો વતી પ્રેસ યોજી એડવોકેટેડનું કહેવું હતું કે, બિલ્ડરે 2021 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરશે તેવી બાહેધરી આપી હતી. છતાં, હજુ કામ અધૂરું છે અને થયું છે તે હલકી ગુણવત્તાનું છે, ગિરિરાજ ડેવલોપર્સ દ્વારા પોતાના નાણાકીય વ્યવહારોની ઓડિટ કરાવી નથી, જીએસટી ન ભરતા સુઓ મોટોથી કેન્સલ થયેલ છે, ફ્લેટ વેચાણમાં જીએસટી લીધું. પણ, તે જીએસટી વિભાગને ટેક્સ ચૂકવ્યો નથી.એક તરફ બિલ્ડર રહીશોને લોનના બાકી 6 કરોડ ચૂકવવાનું જણાવી બીજી તરફ કોર્ટમાં નાદારી જાહેર કરે છે. એસબીઆઈ દ્વારા મૃણાલીની શાહને પાઠવેલ શો કોઝ નોટિસમાં ગિરિરાજ ડેવલોપર્સને ફ્રોડ જાહેર કરેલ છે, શ્રીજી બંગલો અને તીર્થ જલ ખાતે પણ આ લોકો વિવાદમાં રહ્યા છે, અમારા અસીલને ગુંડા કહે છે તેના પુરાવા આપવા જોઈએ, 97 યુનિટની રજા ચિઠ્ઠી બાદ 67 યુનિટ બનાવ્યા છે. જે પૈકી બ્લોક - ડી અને ઈ હજુ પણ અધૂરા છે.
આ અંગે રહીશોએ ગીરીરાજ ડેવલોપર્સના ભાગીદારો વિરુદ્ધ ફ્રોડનો કેસ નોંધવા રાજ્યના મુખ્યમંત્રી ,ગૃહ મંત્રી ,વડોદરા પોલીસ કમિશનર ,કપુરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.
કોર્પોરેશનમાં બે વર્ષથી વેરો ભરવા છતા પ્રાથમિક સુવિધા મળતી નથી : રહીશો
આ ઉપરાંત બિલ્ડરે વરસાદી કાંસમાં ડ્રેનેજનું જોડાણ કરી વ્યવસ્થા આપી નથી, લિફ્ટનું કામ અધૂરું છે, ઈલેક્ટ્રીક કામગીરી અધુરી છે, ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી નથી, બે વર્ષથી વધુ સમયથી કોર્પોરેશનનો વેરો ભરવા છતાં ડોર ટુ ડોરની ગાડી આવતી નથી તેમજ કોર્પોરેશનનું પાણી પણ મળતું નથી તેવું રહીશોનું કહેવું છે.
મૃતકોના નામે લોન લીધી હોવાના આક્ષેપ
એક યુનિટ એક થી વધુ વ્યક્તિને વેચાણ કરી ખોટી રીતે લોન મેળવી છે,138ના કેસોથી બચવા મિલકત અલગ અલગ સ્થળે મોર્ગેજ કરે છે, બિલ્ડર દ્વારા આત્મહત્યા કરનારની ખોટી સહાનુભૂતિ મેળવી બ્લેકમેલિંગ કરવું યોગ્ય નથી, મૃતકોના નામે પણ અઢળક લોન લીધી હતી, જેથી બની શકે આ લોકોના પ્રેશરથી તેઓએ આત્મહત્યા કરી હોય તેવું જણાવ્યું હતું.