Gujarat

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે "નો પાર્કિંગ ઝોન" છતાં વાહનો પાર્ક થતા વિવાદ

By GS TEAM
6 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરની ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારતની આસપાસ "નો પાર્કિંગ ઝોન" જાહેર કરી તેની જાળવણી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું પરંતુ તે જાહેરનામું ફારસરૂપ બન્યું છે. ફરી આ વિસ્તારમાં પાર્કિંગ શરૂ થતા વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે "નો પાર્કિંગ ઝોન" છતાં વાહનો પાર્ક થતા વિવાદ

Vadodara : વડોદરા શહેરની ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારતની આસપાસ "નો પાર્કિંગ ઝોન" જાહેર કરી તેની જાળવણી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું પરંતુ તે જાહેરનામું ફારસરૂપ બન્યું છે. ફરી આ વિસ્તારમાં પાર્કિંગ શરૂ થતા વિવાદ સર્જાયો છે. 

વડોદરા શહેરના ધમધમતા વિસ્તારમાં મધ્યમાં આવેલી ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતી ન્યાય મંદિર ઇમારત આસપાસ ફરીથી વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા કોર્પોરેશનના કમિશનર મહેશ બાબુ દ્વારા તાજેતરમાં વોકિંગ ઝોનને “નો પાર્કિંગ ઝોન” તરીકે જાળવવા અને નિયમોનું કડક પાલન કરાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી ન્યાય મંદિરની હેરિટેજ બિલ્ડીંગ આસપાસ ફરી એકવાર વાહનો પાર્ક થવા લાગ્યા છે. કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા ઐતિહાસિક ઈમારતની આજુબાજુમાં સ્થળ પર લોખંડની રેલિંગ લગાવવામાં આવી હોવા છતાં અનેક વાહનચાલકો પોતાની ગાડીઓ રેલિંગની આગળ રસ્તો રોકીને પાર્ક કરી દેતા હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે કમિશનરના જાહેરનામાના અમલ માત્ર કાગળ પર રહેવા અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો શહેરના સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઇમારતના વિસ્તારમાં જ નિયમોનું પાલન ન થતું હોય તો અન્ય વિસ્તારોમાં નિયમોના અમલની સ્થિતિ શું હશે? લોકોનું કહેવું છે કે મહાનગર સેવા સદન દ્વારા હેરિટેજ ઇમારતોના સંરક્ષણ અને શહેરની સુંદરતા માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર તેની અસર પૂરતી દેખાતી નથી. ન્યાય મંદિર આસપાસ વાહનો પાર્ક કરાયેલા જોવા મળતા હોવાથી નાગરિકોમાં ચર્ચા છે કે શું સંબંધિત અધિકારીઓનું શહેરની મધ્યમાં અને પાલિકાની વડી કચેરીથી તદ્દન નજીકના અંતરે આ તરફ ધ્યાન નથી કે પછી નિયમોના ભંગ સામે કોઈ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કોના ઇશારે કરવામાં આવી રહ્યા છે કે પછી કાર્યવાહી હજી શરૂ કરવામાં મુહૂર્ત જોવાનું બાકી છે. 

હવે લોકોની નજર કમિશનર મહેશ બાબુ અને મહાનગર સેવા સદનના અધિકારીઓ પર છે કે તેઓ ન્યાય મંદિર વિસ્તારને પાર્કિંગમુક્ત રાખવા માટે કડક કાર્યવાહી કરશે કે પછી આદેશ માત્ર કાગળ પર જ રહી જશે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે જાહેરનામાનો કડક અમલ કરાવી ઐતિહાસિક વિસ્તારનું ગૌરવ અને વ્યવસ્થા જાળવવામાં આવે અને શહેરની શોભા યથાવત જળવાઈ એ અંગે જરૂરી પગલા લેવા જરૂરી બન્યાની લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.