સુરતમાં રાજકીય દબાણ બાદ સીલ ખોલી નાંખ્યા : લોકો માટે ન્યુસન્સ રૂપ બનેલા વરાછાના પાર્ટી પ્લોટના સીલ ખોલી નાંખતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં ભાજપના કાર્યકરો-નેતાઓને સેટ કરવા માટે પાલિકાના પ્લોટની આડેધડ ફાળવણી બાદ લોકોમાં ભારે આક્રોશ છે. આ આક્રોશ બાદ પાલિકાએ મોટા વરાછામાં 16 પ્લોટ સીલ કરી દીધા હતા. પરંતુ થોડા સમય બાદ પાછલા બારણે પાર્કિંગ બરાબર થશે અને અન્ય બાહેધરી સાથે સીલ ખોલી દેવાયા છે તેના કારણે લોકોનો આક્રોશ બેવડાયો છે. આ અંગે માહિતી માટે અધિકારીઓ ફોન પણ ઉચકતા ન હોવાથી લોકોનો પારો સાતમા આસમાન પર ચઢી ગયો છે.
પાલિકાના વરાછા બી ઝોન સરથાણા ઝોનમાં આડેધડ રહેણાંક સોસાયટીની બાજુમાં જ ભાજપના કાર્યકરોને પાલિકાના પ્લોટ નજીવા ભાડે ફાળવી દેવાયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ પ્લોટમાં શેડ ઉભા કરીને ફૂડ ઝોન તથા અન્ય ધંધાદારીઓને ભાડે આપી દેવાયા છે. મોટાભાગના ફૂડ ઝોન રહેણાંક વિસ્તારમાં છે અને મોડી રાત્રી સુધી ચાલતા હોય સ્થાનિકો માટે આ પ્લોટ માથાનો દુખાવો બની ગયો છે. આ અંગે લોકોના વિરોધ અને પ્લોટ ફાળવણી મુદ્દે આયોગમાં ફરિયાદ બાદ પાલિકાએ મોટા વરાછા વિસ્તારમાં 16 જેટલા પ્લોટ સીલ કરાયા હતા. જેમાં મેયરના શાળાના પણ પ્લોટ હોવાનું કહેવાય છે. જોકે, આ 16 પ્લોટ સીલ કરાયા હતા ત્યારે વરાછા ઝોનના અધિકારીઓની ભુમિકા શંકાસ્પદ હતી. તેઓએ ક્યા પ્લોટ સીલ કરાયા તેની માહિતી પણ જાહેર કરી ન હતી. આ જ વિવાદી ભૂમિકા હાલ હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. સ્થાનિકો આક્ષેપ કરતા કહે છે મેયરના શાળાને પ્લોટ ફાળવ્યો હતો તેનું સીલ ખોલી દેવામાં આવ્યું છે અને તેમાં માત્ર પાર્કિંગ અને અન્ય બાંહેધરી લેવામાં આવી છે.
રાજકીય દબાણ હેઠળ પાલિકાએ રહેણાંક વિસ્તારની આસપાસના પ્લોટનું સીલ ખોલવાનું શરૂ કરાયું છે પરંતુ આ માહિતી માટે અધિકારીઓ ફોન રીસીવ પણ કરતા નથી અને પોતાનું પાપ છુપાવી રહ્યા છે. રહેણાંક વિસ્તારની બાજુમાં જ સીલ કરેલા પ્લોટના સીલ ફરી ખોલી દેવાતા લોકોમાં ભારે આક્રોશ છે અને આ આક્રોશ આગામી દિવસોમાં જોવા મળે તેવી શક્યતા નકારી શકાતી નથી.








