Get The App

430 વન કર્મચારીઓની બદલી મુદ્દે વિવાદ:મામલો સરકારમાં પહોંચ્યો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
430 વન કર્મચારીઓની બદલી મુદ્દે વિવાદ:મામલો સરકારમાં પહોંચ્યો 1 - image

સર્કલને બદલે ગાંધીનગરથી બદલી થતાં મોટું ઘમસાણ  : પતિ-પત્નીના કેસમાં બંનેને સાથે રાખવાને બદલે 60 ફોરેસ્ટરોની 100થી 400 KM દૂર બદલી: સુધારા ઓર્ડર કરવા જેવી નોબત

જૂનાગઢ, : વન વિભાગ દ્વારા 430 કેટલા ફોરેસ્ટરોની બદલી કરવામાં આવી તેમાં મોટો વિવાદ સર્જાયો છે. પતિ-પત્નીને એક જ જિલ્લામાં કે બને ત્યાં સુધી સાથે જ રાખવાનો સરકારનો પરિપત્ર હોવા છતા તેનું ઉલ્લંઘન કરીને 60થી વધુ ફોરેસ્ટરોને પતિ-પત્નીના કિસ્સાને ધ્યાને લીધા વગર દૂર દૂર સુધી બદલી કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત વર્ષો સુધી ગીરમાં ફરજ બજાવનાર વનકર્મીઓને સામાજિક વનીકરણમાં દૂર દૂર સુધી અને વર્ષોથી સામાજિક વનીકરણમા ફરજ બજાવતા કર્મીઓને ગીરમાં મુકી દેવાયા છે.

થોડા દિવસ પહેલા વન વિભાગના 430 બીટગાર્ડને ફોરેસ્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જે બીટગાર્ડને પ્રમોશન આપવામાં આવ્યું તેની બદલી અત્યાર સુધી સર્કલ દ્વારા થતી હતી. સર્કલ દ્વારા જે તે ડિવિઝનમાં ફોરેસ્ટરોને મૂકવામાં આવતા હતા પરંતુ વન વિભાગના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એકી સાથે 430 પ્રમોશન આપેલા ફોરેસ્ટરોને ગાંધીનગરથી જ બદલી કરવામાં આવતા મોટી મુશ્કેલીઓ સર્જાઈ છે. સામાન્ય રીતે જે તે વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેની આસપાસમાં મૂકવામાં આવતા હોય છે. પ્રથમવાર તેમની નોકરીના સ્થળથી 300થી 500 કિલોમીટર સુધી દૂર દૂર મૂકવામાં આવતા વન કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે. 

60 કર્મચારીઓ તો એવા છે કે જે પતિ-પત્નીના કેસમાં સાથે રાખવાને બદલે પતિ કે પત્નીને 300 કિલોમીટર જેટલા દૂર કરી દેવામાં આવ્યા છે. પ્રથમવાર ગીર-ગિરનારમાં ગાંધીનગરથી થયેલી બદલીના કારણે હવે મોટો વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલો છેક સરકાર સુધી પહોંચ્યો છે અને હવે ટૂંક સમયમાં જ બદલીઓના ઓર્ડરમાં સુધારા ઓર્ડર કરવા પડે તેવી હાલત થઈ ગઈ છે. હાલ પૂરતા પતિ-પત્ની કેસમાં બદલીઓ થયેલા કર્મચારીઓને છૂટા ન કરવા અને તેના તાત્કાલિક સુધારા ઓર્ડર કરવા સરકાર તરફથી પણ સૂચના હોવાનું જાણવા મળ્યું છે. હવે આ મુદ્દે શું થાય તે મહત્વનું બની ગયું છે.