રાજકોટમાં સર્કલો પર આડેધડ હોર્ડિંગ બેનર્સના મુદ્દે લોલમલોલ
શહેરમાં પખવાડિયાની અંદર 1435 હોર્ડિંગ જપ્ત : પરંતુ સર્કલ પર બોર્ડને લીધે દ્રષ્ટિ અવરોધથી અકસ્માતનો ભય છતા ફરિયાદ હોય તો જ મનપા કામ કરે છે
રાજકોટ, : મહાપાલિકા જગ્યા રોકાણ શાખા દ્વારા ગત 15 દિવસમાં 1435 નાના બેનર્સ-બોર્ડ હટાવાયા છે પણ ઘણા સર્કલમાં મોટા બોર્ડ વારંવાર જોવા મળે છે. જે અકસ્માતનું કારણ બની શકે છે જેના પ્રત્યે ઉપેક્ષા દાખવાય છે.
ધાર્મિક, સામાજિક, રાજકીય, કોમર્શિયલ જાહેરાત સહિતના ઘણા હોર્ડિંગ આડેધડ ગમે ત્યાં લગાવી દેવામાં આવે છે. હોર્ડિંગ માટે કોઇ પરમિશન કે સ્પષ્ટ શરતો હોતી નથી છતા સર્કલે હોર્ડિંગ ન લાગે તેવા સ્પષ્ટ નિયમો બનાવાતા નથી.
ખાસ કરીને એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ, કોટેચા સહિત અનેક સ્થળે કોઇપણ વગદારો દ્વારા મન પડે ત્યારે મન પડે તેવડા હોર્ડિંગ લગાવી દેવાય છે.
આ અંગે જગ્યા રોકાણ અધિકારી પી.જે. બારિયાનો સંપર્ક સાધતા જણાવ્યું કે અલગ-અલગ હોર્ડિંગની પરમિશન આપીને તેની માપ સાઇઝ પ્રમાણે ભાવ લેવામાં આવે છે. 3.5મીના રૂા. 200 એનાથી થોડા મોટા હોર્ડિંગના 400 રૂા., બીજા સર્કલ કોર્પોરેસનના અંડરમાં એજન્સીને સોંપેલા હોવાથી ત્યા પરમિશન એ એજન્સી આપે છે. જ્યારે એક્ઝીબીશન બોર્ડની પરમિશન અમારા દ્વારા આપવામાં આવે છે. સર્કલોએ ફરિયાદ હોય તો બોર્ડ હટાવાય છે. પરંતુ આ હોર્ડિંગના કડક નિયમ બનાવી પાલન કરાવાય તો મનપાને કરોડોની આવક થઇ શકે છે, પરંતુ આડેધડ હોર્ડિંગ-બોર્ડ લગાવાથી આવકમાં ઘટાડો થઇ શકે છે. મનપા દ્વારા આડેધડ લાગેલા બોર્ડ ઉતારવાની કામગીરી છતા સર્કલ પરના બોર્ડ માટે આંખ આડા કાન કેમ કરવામાં આવે છે તે સવાલ લોકોમાં વારંવાર જન્મે છે, લોકોની ફરિયાદ ઉઠે ત્યારે બોર્ડ ઉતારી લેવામાં આવે છે. પરંતુ ફરી એ બોર્ડ લગાવાનો સિલસીલો ચાલુ રહે છે. રાજકોટ શહેરમાં ગમે ત્યાં લાગેલા બોર્ડના કારણે શહેરની સુંદરતા પણ બગડે છે.