Get The App

સુરતમાં ફૂટપાથ પર જ 'પે એન્ડ પાર્ક'નો પાલિકાએ આપી દીધો કોન્ટ્રાક્ટ, મોટા કૌભાંડની આશંકા

Updated: Apr 7th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં ફૂટપાથ પર જ 'પે એન્ડ પાર્ક'નો પાલિકાએ આપી દીધો કોન્ટ્રાક્ટ, મોટા કૌભાંડની આશંકા 1 - image

Surat Corporation Pay and Park : સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે પાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટર બેફામ બન્યા છે. સુરતના ઉધના દરવાજા પાસે આવેલા એક મોલ બહાર ફુટપાથ પર પાલિકાના પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે અને પાર્કિંગની રસીદ આપીને લોકો પાસે ફુટપાથ પર વાહન પાર્ક કરાવી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. પાલિકાએ લોકોના ચાલવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવ્યા છે પરંતુ તેના પર પાર્કિંગ કરાવવામાં આવી રહ્યું છે. અને તેના રૂપિયા પણ વસુલવામાં આવી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ બાબતથી પાલિકા અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે. આ મામલે જો ખરેખર યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.

સુરતમાં ફૂટપાથ પર જ 'પે એન્ડ પાર્ક'નો પાલિકાએ આપી દીધો કોન્ટ્રાક્ટ, મોટા કૌભાંડની આશંકા 2 - image

કોન્ટ્રાક્ટ સિવાયની જગ્યાઓ પર પે એન્ડ પાર્ક

શહેરના ટ્રાફિકથી ધમધમતા ઉધના દરવાજા વિસ્તારમાં પાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ જાહેર કર્યું છે. જોકે, પાલિકાએ કોન્ટ્રાકટ આપ્યો છે તે સિવાયની જગ્યાએ પણ વાહન પાર્ક કરાવી ગેરકાયદે પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે. ઉધના દરવાજા પાસપોર્ટ ઓફિસ સામે મોલ આવ્યો છે તેની બહાર બનેલા ફુટપાથ પર પાલિકાનું પે એન્ડ પાર્ક નું બોર્ડ લાગ્યું છે. આ ઉપરાંત દિવાલ પર પણ અનેક જગ્યાએ પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે. 

લાખોના ખર્ચે બનેલી ફૂટપાથ પર પે એન્ડ પાર્ક!

લોકોને અકસ્માતથી બચાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવી છે તેના પર જ પાલિકાનું પે એન્ડ પાર્ક નું બોર્ડ આશ્ચર્ય સર્જે છે. આ ફૂટપાથ પર પર કોન્ટ્રાક્ટરના માણસો વાહન પાર્ક કરાવે છે અને રસીદ આપી ચાર્જ પણ વસુલે છે. જેના કારણે પાલિકાએ ફુટપાથ પર જ પે એન્ડ પાર્ક આપ્યું હોવાની ફરિયાદ છે. લોકોને ચાલવા માટે ફુટપાથ છે તેના પર પે એન્ડ પાર્કના બોર્ડ કઈ રીતે લાગી શકે ? જો પાલિકાએ ખરેખર ફૂટપાથ પર પે એન્ડ પાર્ક ની મંજૂરી ન આપી હોય તો પાલિકા બોર્ડ કાઢતી કેમ નથી? અને પૈસા વસુલ કરનારા સામે પગલાં કેમ ભરતી નથી ? પાલિકાની કામગીરી સામે આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. બીજી તરફ પાલિકાની આ નબળી કામગીરીને પગલે લોકોએ ફૂટપાથના બદલે રોડ પર ચાલવું પડે છે. જો આ કિસ્સામાં તપાસ કરવામા આવે તો કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.