Gujarat

એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા

By GS TEAM
6 Nov 20252 mins read
એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના તા.૮ નવેમ્બરે યોજનારા  પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ સર્જાયો છે.સમારોહ માટે વિદ્યાર્થીઓને આજથી સ્કાર્ફનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે અને આ સ્કાર્ફની ગુણવત્તા પર સવાલો ઉઠયા છે.

સ્કાર્ફ લેવા ગયેલા કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે,  વિદ્યાર્થીઓ પાસેથી ફોલ્ડર અને સ્કાર્ફ માટે ૫૬૦ રુપિયા ફી લેવામાં આવે છે પણ જે સ્કાર્ફ આપવામાં આવ્યા છે તે સાવ હલકી ગુણવત્તાવાળા  છે તેવું સ્કાર્ફ હાથમાં પકડતાની સાથે જ ખબર પડી જાય છે.

વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ યુનિવર્સિટીના વહીવટ પર ફરી સવાલો ઉભા થયા છે.કારણકે સેનેટ અને સિન્ડિકેટનુ માળખું કોમન એકટના પગલે ખતમ થયા બાદ તેની જગ્યાએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવવામાં આવી છે.યુનિવર્સિટીની પરચેઝ કમિટિ દ્વારા થતી  કોઈ પણ ખરીદીની ભલામણને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવે છે અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની કાર્યવાહી વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર ગુપ્ત રાખી રહ્યા છે.કાઉન્સિલમાં મૂકવામાં આવતી દરખાસ્તો  અને તેના પર થતી ચર્ચાને જાહેર કરવામાં આવતી નથી અને તેનો એજન્ડા પણ સાર્વજનિક કરાતો નથી.

સ્કાર્ફ વિતરણમાં પણ ધાંધિયા 

પદવીદાન સમારોહ માટે દરેક ફેકલ્ટીમાં તા.૬ અને ૭ નવેમ્બર એમ બે દિવસ સ્કાર્ફનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.આજથી શરુ થનારા વિતરણ અંગે મોટાભાગની ફેકલ્ટીઓએ બપોરે વિદ્યાર્થીઓને જાણ કરી હતી અને તેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.ઘણા વિદ્યાર્થીઓને તો આ બાબતની જાણ થઈ ત્યાં સુધીમાં આજના વિતરણનો સમય પણ પૂરો થઈ ગયો હતો.હવે વિદ્યાર્થીઓ પાસે ૭ નવેમ્બર એક જ દિવસ છે.જેના કારણે સ્કાર્ફ લેવા માટે ધસારો વધે તેવી શક્યતા છે.બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ બહારગામ હોવાના કારણે તેઓ સ્કાર્ફથી વંચિત રહે તેવી શકયતા છે.

પરંપરામાં બદલાવઃ પદવીદાન સમારોહના દિવસે જ ગોલ્ડ મેડાલિસ્ટોનો સન્માન સમારોહ યોજાશે

યુનિવર્સિટી સત્તાધીશોએ ત્રણ વર્ષ બાદ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે વી આર પ્રાઉડ ઓફ યુ...કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે.જોકે તેની પરંપરામાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે.સામાન્ય રીતે પદવીદાન સમારોહના આગલા દિવસે આ સમારોહ યોજાતો હોય છે.આ વખતે પણ તા.૭ નવેમ્બરે આ સમારોહ યોજાવાનો હતો પણ હવે પદવીદાન સમારોહના દિવસે એટલે કે તા.૮ નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે વાઈસ ચાન્સેલરના નિવાસ સ્થાન ખાતે આ સમારોહનું આયોજન કરાયું છે.

વિદ્યાર્થીઓ હાજર રહે તે માટે  વોર્ડનોને ટાર્ગેટ અપાયો 

પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ હાજર રહેવાના છે.એવુ કહેવાઈ રહ્યું છે કે, રાજ્યપાલને પ્રભાવિત કરવા માટે અને પદવીદાન સમારોહનો શમિયાણો ખાલી ના રહે તે માટે હોસ્ટેલના વોર્ડનોને પણ દરેક હોલમાંથી વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં હાજર રહે તેનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે.