Get The App

કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ 1 - image

- નગરજનો, સમિતિએ સૂત્રાચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો  

- 200 વર્ષના ઈતિહાસમાં લોકપ્રિયતા મેળવવા તકતી મૂકી નિવાસસ્થાનનું અપમાન કરવાના આક્ષેપ સાથે આક્રોશ 

આણંદ : કરમસદમાં ૨૦૦ વર્ષ જુના સરદાર પટેલના નિવાસ્થાનમાં બે દિવસ અગાઉ સરદાર પટેલની પ્રતિમા મૂકીને તકતી મૂકવામાં આવી હતી. જે તકતીમાં રાજ્યના મુખ્યમંત્રી અને આણંદના સાંસદ મિતેષ પટેલનું નામ લખવામાં આવતા નગરજનો અને  સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

કરમસદથી તા. ૨૬ નવેમ્બરે એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્યમંત્રી સહિત દેશભરના નેતાઓ આવ્યા હતો અને સરદાર પટેલના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી. જે દરમિયાન સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી હતી અને બાજુમાં રાજ્યના મુખ્યમંત્રી અને સાંસદ મિતેશ પટેલની તકતી લગાવવામાં આવી છે. જેની સામે નગરજનો અને સરદાર સન્માન સંકલ્પ સમિતિએ વિરોધ કર્યો હતો. 

સરદાર પટેલની પ્રતિમા મૂકી પોતાના નામની તકતી લગડીને સરદાર સાહેબના નિવાસસ્થાનનું સરકારે અપમાન કર્યું હોવાનો સમિતિએ આક્ષેપ કર્યો હતો. આ મામલે સરદાર પટેલના નિવાસસ્થાને જઇને પહેલા સરદાર નામ ચોર, સરદાર ગામ ચોર અને ખેડૂતોની જમીન ચોર ગાદી છોડના નારા લગાવીને સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યકત કર્યો હતો.  

કરમસદમાં નવા કાયદાથી 900 મિલકતોને જોખમ 

૨૦૧૫માં અમલમાં આવેલા સી વન સત્તા પ્રકારના કાયદામાં કરમસદની અંદાજિત ૯૦૦ જેટલી મિલકતનો સમાવેશ થાય છે. જેમાં સરદાર પટેલનું ઘર સહિત પૂર્વ સાંસદો અને અન્ય અગ્રણીઓના મકાનોનો સમાવેશ થાય છે. સરકારના નિયમો મુજબ હવે તમામ જુના બાંધકામો ગેરકાયદેસર ગણવામાં આવે છે. તો હવે સરદાર પટેલનું ઘર ગેરકાયદેસર ગણાશે કે પછી તેને તોડી નખાશે એ પ્રશ્ન ચર્ચાએ રહ્યો છે.

સી. વન  સત્તા કાયદો શું છે ? 

૨૦૧૫માં બનાવવામાં આવેલા કાયદામાં ૧૫૦થી ૨૦૦ વર્ષ જુના બાંધકામ થયેલા મકાનો ગેરકાયદેસર ગણવામાં આવ્યા છે. જેથી ૨૦૧૫ બાદ સિટી સર્વેમાં આવા તમામ મકાનોની નોંધ અને રેકોર્ડ પાડવામાં આવતો નથી. જેને કારણે હવે આવા તમામ મકાનોને વેચવા માટે મુશ્કેલી પડી રહી છે તથા રેકોર્ડમાં નામ ચડાવવાનું પણ હવે અશક્ય બની ગયું છે.