સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથી વિવાદ
Surat : સુરત શહેરમાં રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી મિલકતોના દુરુપયોગનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકોએ સમગ્ર વિસ્તારમાં હોર્ડિંગ્સ અને બેનરોનું જંગલ ઊભું કરી દીધું છે. આ બેનરો માત્ર સરકારી જગ્યાઓ પર જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, અંડરપાસ, લાઇટ પોલ અને રોડ ડિવાઇડર જેવી સંવેદનશીલ જગ્યાઓ પર પણ લગાવવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે અને પાલિકાની લિંબાયત ઝોનની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
જાહેર સલામતી જોખમમાં: બેનરોનું જંગલ
લિંબાયત વિસ્તારમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં સંગીતા પાટીલના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો જ જોવા મળે છે. આ બેનરોની સંખ્યા ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના જન્મદિવસ વખતે લાગેલા બેનરો કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે. આ બેનરોને આડેધડ રીતે લગાવવામાં આવ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આસપાસ પણ આ બેનરો લટકાવવામાં આવ્યા છે, જે શોર્ટ સર્કિટ અથવા વીજ પ્રહારથી જીવલેણ અકસ્માતનું જોખમ ઊભું કરે છે.
આ ઉપરાંત, તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા પાલિકાના અંડરપાસની એન્ટ્રી પર અને ચાર રસ્તાના વળાંકો પર પણ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડે છે, અને અકસ્માતની શક્યતાઓ વધી જાય છે.
'લિંબાયત વિસ્તારનું નામ "સંગીતા નગર" થઈ જાય તો નવાઈ નહીં'
આ મુદ્દે સુરતના કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ પોલ, DGVCL ની DP, બ્રિજ સેલના પતરા અને ડિવાઈડર સહિત એક પણ સરકારી જગ્યા એવી બાકી નથી જ્યાં આ બેનરો ન લાગ્યા હોય. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે જો આ રીતે જ ચાલશે તો આગામી દિવસોમાં લિંબાયત વિસ્તારનું નામ "સંગીતા નગર" થઈ જાય તો નવાઈ નહીં.
પાલિકાનો ગોળગોળ જવાબ
જ્યારે સુરત મહાનગરપાલિકાને આ બેનરો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમનો જવાબ અત્યંત ગેરજવાબદાર હતો. કાર્યપાલક ઇજનેરે કહ્યું કે તેમને આ બાબતની કોઈ જાણ નથી અને તેઓ તપાસ કરી રહ્યા છે કે મંજૂરી લેવામાં આવી છે કે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ટ્રાન્સફોર્મર પાલિકાની નહીં પરંતુ વીજ કંપનીની માલિકી છે, એટલે એ બાબતે વીજ કંપની જ કહી શકે. આ જવાબ સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્ર આ મામલે પોતાનો પલ્લો ઝાટકી રહ્યું છે.
SMC- તંત્રના બેવડા ધોરણો
અગાઉ, જ્યારે શિવ કથા યોજાઈ હતી, ત્યારે પાલિકાએ મંજૂરી વિનાના બેનરો કહીને તેને હટાવી દીધા હતા. આ ઘટના અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચે પાલિકાના બેવડા ધોરણો સ્પષ્ટપણે જોવા મળે છે. સામાન્ય નાગરિકો કે સંસ્થાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતું તંત્ર રાજકીય નેતાઓ સામે મૌન સેવી રહ્યું છે. આ સમગ્ર ઘટના લિંબાયત ઝોનની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે.
આખરે સવાલ એ થાય છે કે શું પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓને લોકોની સલામતીની કોઈ ચિંતા નથી? અને શું સત્તામાં હોવાને કારણે તેમને કાયદાનું ઉલ્લંઘન કરવાની છૂટ છે?