સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: હવે વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ
અમૂલ બચાવો...40 હજારનો ગુંઠો 4 લાખમાં ખરીદયો તેવા નારા ગજવ્યા, ખરીદેલી જમીન પર પહોંચી ભ્રષ્ટાચારના આક્ષેપો
મહિસાગર જિલ્લાના વિરપુરમાં અમૂલ દ્વારા ખરીદવામાં આવેલી જમીનનો મામલો વિવાદનું કેન્દ્ર બન્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ મામલો જોર પકડી રહ્યો છે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની દૂધ મંડળીના ચેરમેન સહિતના પશુપાલકોનુ ટોળું વિરપુર પહોંચતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
દૂધ મંડળીઓના હોદ્દેદારો, પશુપાલકો અને સભ્યો ફાગવેલ ભાથીજી મંદિર ખાતે એકત્ર થયાં બાદ વિરપુર તરફ કૂચ કરી હતી. જે દરમિયાન શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં.વિરપુરથી જૂના રતનકૂવા રોડ પર સર્વે નંબર 175-2ની 8690 ચોરસ મીટર જમીન જે વિસ્તારના માર્કેટ ભાવ પ્રમાણે વધુમાં વધુ 30 લાખની ગણવામાં આવે છે.જમીન અમુલ ડેરી દ્વારા રૂ.3 કરોડ 51 લાખમાં ખરીદતા મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે. 40 હજારનો ગુંઠો 4 લાખમાં ખરીદયો તેવા નારા સાથે 1500થી પણ વધું લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. અમુલે ખરીદેલી જમીનની સ્થળ ચકાસણી માટે પહોંચ્યાં હતા.અને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.વિરપુર ખાતે અમૂલે 40 હજારના ગુંઠાની જમીન 4 લાખના ગુંઠે લીધી છે. આ વાત ધ્યાને આવતા પશુપાલકોના હિતમાં ફાગવેલથી વિરપુર ખાતે જગ્યા પર આવ્યાં છીએ. અમારી એક જ માંગ છે.
જે ખરેખર ખેડૂતને ચુકવ્યાં છે, તે સિવાયના ઉપરના નાણાં અમૂલ ડેરીમાં જમા કરાવી દેવા જોઈએ. તેમ લીંબાસી દૂધ મંડળીના ચેરમેન કેસરીસિંહ સોલંકીએ કહ્યું છે. ન્યાય માટે ગામે ગામ સહકારી આંદોલન કરીશું. ગોવા, મુંબઇ જમીન લીધી છે, તેના કરતા પણ વધુ ઊંચા ભાવે વિરપુરમાં જમીન ખરીદી છે,તેવો આક્ષેપ ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભારતસિંહ પરમારે કહ્યું હતું.
- કોઇ આયોજન વગર જમીનો ખરીદવામાં આવી છે
આવી જમીન ન લેવી જોઈએ.જમીન લેતા પહેલા બતાવવી જોઈએ. સામાન્ય સભાસદ એક - બે લીટર દૂધ ભરે તેના પરસેવાના નાણામાંથી આવી જમીન ખરીદી છે. નડિયાદમાં પણ 40થી 50 કરોડના ખર્ચે જમીન ખરીદી છે. જમીન ખરીદી માટે કોઈ આયોજન નથી. ચોકલેટ પ્લાન્ટ નાંખવાના છીએ. તેમ અમુલ ડેરીના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું.
- આંદોલનમાં વિરપુર તાલુકાનું કોઈ જોડાયું નથી
અમૂલ ડેરી-વિરપુરનાં ડિરેક્ટર સાયભેસિંહ પરમારે કહ્યું હતું કે જેનો ઓછો ભાવ હોય તેની જમીન ખરીદવામાં આવી છે. બોર્ડમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. ત્રણેય બોર્ડમાં સંમતિ લેવામાં આવી હતી. સરકારમાં ગયા પછી પાર્ટીને પૈસા ચુકવ્યાં છે.
વિરપુરમાં 7.5 લાખ સુધી ગુંઠે જમીન સમાજ માટે ખરીદી છે. આંદોલનમાં વિરપુર તાલુકાનુ કોઇ જોડાયું નથી. અમૂલને 75 વર્ષ થયાં છતાં આજ સુધી વિરપુરમાં જમીન ખરીદાઈ નથી.