વડોદરા, તા. 03
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક જ અધિકારી પાસે સંખ્યાબંધ કામના ભારણ ઠોકી બેસાડવામાં આવ્યા છે. ત્યારે હવે ઘણા ઉચ્ચ અધિકારીઓએ નવા વિભાગના ચાર્જ અને ભવિષ્યમાં આવનારી વધારાની કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ધરાર ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં, આ મામલે તેઓએ મેયરનું પણ ધ્યાન દોર્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દિવસે ને દિવસે લોકહિતની કામગીરી વધુ અસરકારક રીતે કરે તે વર્તમાન સંજોગોમાં ખૂબ જરૂરી છે. કારણ કે, શહેરના અસંખ્ય નાગરિકો પોતાને યોગ્ય સુવિધા મળતી નથી તેમ જ વિસ્તારમાં ઉપસ્થિત થનાર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરી રહ્યા છે. પરંતુ આ માટે કોર્પોરેશનમાં નવી જગ્યાની ભરતી થાય તે પણ એટલું જ જરૂરી છે. પાલિકાની ચૂંટાયેલી શાખાના એક હોદ્દેદારે આ મામલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અમે નવા 7 વોર્ડનો ઉમેરો કરવા જઈ રહ્યા છે અને એ માટે ભરતી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેની દરખાસ્તની મંજૂરી પણ સ્થાયી સમિતિએ આપી દીધી છે. આ તમામ વચ્ચે ચાલુ મહિનાના અંતમાં સિટી એન્જિનિયર નિવૃત્ત થતા હોવાથી પાલિકાના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ તે અગાઉ પાળ બાંધવાની શરૂ કરી દીધી હોય તેવું જણાઈ રહ્યું છે.
પાલિકાના શૈલેષ નાયક, અલ્પેશ મજમુદાર, ધીરેન તળપદા, રાજેશ શિમ્પી અને અમૃત મકવાણાએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલને રજૂઆત કરી છે કે, વહીવટી વિભાગો દ્વારા જુદા જુદા ઉચ્ચ હોદ્દાઓનો કાર્યભાર ચાર્જ સોંપી હાલ અમારી પાસે કામગીરી કરવામાં આવી રહી છે. ઉચ્ચ હોદ્દાની કામગીરી અમોને સોંપવામાં આવે છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે, ઉચ્ચ હોદ્દા પર નિમણૂક થવાની તમામ લાયકાત અને અનુભવ ધરાવીએ છીએ. અમે પણ આજ્ઞાંકિત અધિકારીઓ છીએ અને વર્ષોથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે હુકમ કરવામાં આવ્યા એને માન આપીને કામગીરી કરીએ છીએ. જે તે હોદ્દા ચાર્જ આપી કામગીરી કરવામાં આવે છે. તે હોદ્દા પર કાયમી નિમણૂક સત્વરે કરી આપવી જરૂરી બને છે. આ બાબતે ઘણા વર્ષોથી કરેલ વધારાની કામગીરીનું વેતન, મહેનતાણું (ચાર્જ એલાઉન્સ) પણ મળેલ નથી. આ અમારા ન્યાયિક અને કાયદેસરના હક્કોને નુકસાન છે. અમોને ચાર્જ મુજબનાં હોદ્દા પર નિમણુક કરવા અને અગાઉના વર્ષોનું ચાર્જ એલાઉન્સ આપવા ગુપ્ત અધિકારીઓ દ્વારા વારંવાર મૌખિક અને લેખિતમાં સંયુક્ત રીતે એક મતે રજૂઆત કરેલ છે. તેમ છતાં આજદિન સુધી અમો તમામ અધિકારીને કાયમી નિમણૂકના હુકમો અને ચાર્જ એલાઉન્સ બંને આજદિન સુધી મળેલ નથી.
બીજી તરફ આ માસના અંતમાં સિટી એન્જિનિયર તરીકે ચાર્જ સંભાળી રહેલા શૈલેષ મિસ્ત્રી પણ નિવૃત્ત થનાર છે. જે સંદર્ભે તેઓની કામગીરી માટે ફરીથી અમારા પાંચ પૈકીના કોઇ એક અધિકારીને વધારાની કામગીરી સોંપી ચાર્જ આપવાના હુકમો કરી કામગીરી લેવાનો પ્રયત્ન થાય તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી આ તમામ પાંચ અધિકારીઓએ સંયુક્ત રીતે અને એક મતે રજૂઆત કરી છે કે, માત્ર વધારાની કામગીરીની સોંપણી કરી એટલે કે, કાયમી નિમણૂક ના કરી અમારા પૈકીના કોઈપણ અધિકારીને વધારાની કામગીરી સોંપવાના હુકમો કરવામાં આવે તેવા સંજોગોમાં અમો પૈકી કોઈ પણ અધિકારીઓ વધારાની કામગીરીની ફરજો બજાવીશું નહીં અને સ્વીકારીશું પણ નહીં. આથી આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા મારી કાયમી નિમણૂક કરી દેવામાં આવે. અત્રે નોંધનીય છે કે, કોર્પોરેશનમાં શૈલેષ નાયક, અલ્પેશ મજમુંદાર, હિરેન તળપદા, રાજેશ શિમ્પી અને અમૃત મકવાણાને ખૂબ ઉચ્ચ અધિકારીઓનો હોદ્દો આપવા સાથે કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ લખેલ આ પત્ર સાથે વધારાની ચાર્જ લેવાનો ધરાર ઈનકાર કરી દેતાં સમગ્ર મામલે કોર્પોરેશનના વહીવટી અને ચૂંટાયેલા વિભાગમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.


