ભવનાથના ગુરૂપરંપરાના સાધુનો ગંભીર આક્ષેપ : ભવનાથમાં ગુરૂપરંપરાના સાધુને તંત્ર સેવા-પૂજા પણ કરવા દેતું નથી : અને વિવાદાસ્પદ સાધુને પૂજા સોંપાઈ
જૂનાગઢ, : ગિરનારની તળેટીમાં બિરાજતા સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરના વહીવટને લઈને ફરી એકવાર મોટો વિવાદ સર્જાયો છે. ભવનાથ પરંપરાના સાધુ રાજુગીરીબાપુએ એક વીડિયો વાયરલ કરીને વહીવટી તંત્ર અને રાજકીય દબાણ સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. સાધુઓના વિવાદના કારણે વહિવટી તંત્રએ ખુદ ભવનાથ મંદિરનો વહિવટ સંભાળ્યો છે પણ તેમાં પક્ષાપક્ષી કરતા વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. ધાર્મિક આસ્થાના કેન્દ્રને પણ તંત્ર વિવાદોથી બચાવી શકતું નથી.
ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરીના શિષ્ય મહાદેવાનંદગીરી પર અગાઉ મંદિરમાં નાણાકીય ગેરરીતિઓ આચરવાના ગંભીર આક્ષેપો થયા હતા. આ આથક અનિયમિતતાઓને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી કરી તેઓની મંદિરના વહીવટ અને સેવા-પૂજામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જોકે, હવે ફરી એકવાર મહાદેવાનંદગીરીની મંદિરમાં એન્ટ્રી થતા અને તેમને પૂજાની જવાબદારી સોંપાતા વિવાદ મધપૂડાની જેમ છંછેડાયો છે. રાજુગીરીબાપુએ વહીવટદાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, જે સાધુને નાણાકીય ભ્રષ્ટાચારના કારણે હાંકી કાઢવામાં આવ્યા હતા તેમને કયા રાજકીય દબાણ હેઠળ ફરી મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો છે ? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, કયા મોટા ગજાના રાજકારણીના ઈશારે આ નિર્ણય લેવાયો છે તેની તપાસ થવી જોઈએ.
રાજુગીરીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે ભવનાથની ગુરૂપરંપરાના સાધુઓ હોવા છતાં તંત્ર અમને માત્ર સેવા-પૂજા પણ કરવા દેતું નથી જ્યારે બીજી તરફ વિવાદાસ્પદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ધરાવતા સાધુઓને પૂજા સોંપવામાં આવી રહી છે. આ ભવનાથની પરંપરા અને પવિત્રતા સાથે ચેડા સમાન છે. આ મામલે તંત્રના પક્ષપાતી વલણ સામે નારાજગી વ્યક્ત કરતા રાજુગીરીબાપુએ આગામી દિવસોમાં કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી છે. આ વિવાદને પગલે જૂનાગઢ વહીવટી તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અને શ્રધ્ધાળુઓમાં પણ વહીવટને લઈને અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.


