Gujarat

મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર

By GS TEAM
11 Jun 20262 mins read
TukuTouch Logo
શિક્ષણ સાથે રાજકારણ નહીં, અમને ન્યાય જોઈએ, પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થી-વાલીઓનો આક્રોશ

Summarized by AI; it may make mistakes. Check important info

મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર

Surat : સુરતના મોટા વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા શાળા સ્થળાંતર નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળા નંબર 354 ના અંગ્રેજી માધ્યમના 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક અન્ય શાળા નંબર 309 ખાતે ખસેડવાના નિર્ણયને લઈને સમગ્ર વિસ્તાર ગરમાયો છે. આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને વિદ્યાર્થીઓએ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે. સુરતમાં શિક્ષણ માટે ઉપવાસ કે આંદોલન પર ઉતરે તેવો કદાચ આ પહેલો કિસ્સો છે.

મળતી માહિતી મુજબ શાળા નંબર 354 માં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી સ્થિર રીતે અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ 14-05-2026ના રોજ સ્થળાંતરનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં વાલીઓને આ અંગે જાણ માત્ર 02-06-2026ના રોજ કરવામાં આવી હતી. આ વિલંબિત માહિતી અને એકતરફી નિર્ણયને લઈને વાલીઓમાં ગંભીર અસંતોષ જોવા મળી રહ્યો છે.  આજે સવારે શાળા બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાથમાં પ્લે કાર્ડ લઈને “શિક્ષણ સાથે રાજકારણ નહીં, અમને ન્યાય જોઈએ” જેવા નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ઉપવાસ પર ઉતરે તેવો કદાચ સુરતનો આ પહેલો કિસ્સો હોવાનું પણ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કોઈપણ પ્રકારની ચર્ચા કે સંમતિ લીધા વગર મનસ્વી રીતે નિર્ણય કર્યો છે. 309 નંબરની શાળા દૂર હોવાથી નાના વિદ્યાર્થીઓને દૈનિક આવન-જાવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમજ અભ્યાસ પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા વિદ્યાર્થીઓએ જૂની શાળા છોડવાનો ઇનકાર કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ વાલીઓ અને સ્થાનિકોમાં અસંતોષનું વાતાવરણ છે અને લોકો આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા છે.