વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ
- ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
- ગ્રામ પંચાયતની પરવાનગી વિના સરપંચે વૃક્ષનું નિકંદન કર્યાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ
નડિયાદ : ખેડા જિલ્લાના વસો તાલુકાના કલોલી ગામમાં પરવાનગી વિના ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ગામના અગ્રણીઓ દ્વારા ગ્રામ પંચાયતની સર્વસંમતિ વિના સરપંચ દ્વારા વૃક્ષ કાપી નખાયું હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ મામલે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગણી કરી છે.
ખેડા જિલ્લાના વસો તાલુકાના કલોલી ગામમાં વૃક્ષો કાપવાના મુદ્દે ગ્રામ પંચાયત અને ગ્રામજનો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ગામના કેટલાક અગ્રણીઓએ વિકાસકાર્યોના નામે ગામમાં આવેલા વૃક્ષોને કાપી નાખવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય લેતા પહેલા ગ્રામ પંચાયતની કોઈ સત્તાવાર બેઠક બોલાવવામાં આવી ન હતી કે સભ્યોની સર્વસંમતિ લેવામાં આવી ન હતી. જેને કારણે આ નિર્ણય ગેરકાયદે હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, વૃક્ષ કાપવા પાછળ કેટલાક વ્યક્તિગત હિતો સંકળાયેલા છે. ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ કપાતા પર્યાવરણને મોટું નુકસાન થયું છે. ગ્રામજનો આ ઘટના સંદર્ભે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે અને વૃક્ષ કાપવા બદલ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.