Gujarat

ડિવાઈડરની આડશ દૂર કર્યા પહેલાં બ્રિજનું ઉદ્દઘાટન કરી નખાતાં અફડા-તફડી

By GS TEAM
19 Sep 20252 mins read
ડિવાઈડરની આડશ દૂર કર્યા પહેલાં બ્રિજનું ઉદ્દઘાટન કરી નખાતાં અફડા-તફડી

જુનાગઢના સાબલપુર નજીકના બ્રિજને ખુલ્લો મુકવા આયોજન વગરના અભરખા રિબિન કપાઈ ગયાના કલાક સુધી બ્રિજ શરૂ ન થઈ શક્યો, બંને તરફ વાહનોની લાંબી કતારો, ઉદ્ધાટન બાદ બ્રિજને શરૂ કરવા તંત્ર ધંધે લાગ્યું

જૂનાગઢ, : સાબલપુર ચોકડી નજીક રાજકોટ હાઇવે પર જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવતા બ્રિજને આજે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. બ્રિજનું લોકાર્પણ કરતાં પહેલાં બ્રિજને બંધ કરવા માટે મુકેલી આડશો દૂર કરવી જોઈતી હતી તે કર્યા વગર જ રીબીનો કાપી નાખવામાં આવી હતી, જેના કારણે બ્રિજની બંને સાઈડ વાહનોના થપ્પા લાગી ગયા હતા. ઉદ્ધાટન માટે આવેલા ધારાસભ્ય, મેયર સહિતના હોદ્દેદારો માટે મંડપ, ખુરશી, સહિતની પણ કોઈ વ્યવસ્થા વગરનું આ આયોજન ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું છે.

જૂનાગઢ શહેરમાંથી રાજકોટ જવાના મુખ્ય રસ્તા પર સાબલપુર ચોકડી નજીક એક બ્રિજને આજે મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્ય સહિતનાઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. છ મહિનાથી વધુ સમય રસ્તો બંધ રહ્યા બાદ આજે ખુલ્લો મુક્યો ત્યારે બબાલ થઈ હતી. ઉદ્ધાટનના કાર્યક્રમની જાહેરાત કરી પરંતુ ત્યાં મંડપ નહીં, ખુરશી નહીં અને માત્ર રીબીન બાંધી દીધી હતી. રીબીન કાપી ત્યારબાદ રસ્તો ચાલુ ન થતા વાહન ચાલકો રોષે ભરાયા હતા. રસ્તાની બંને બાજુ વાહનોની મોટી કતારો લાગી ગઈ હતી. આ રસ્તો બંધ હોવાથી ત્યાં ડિવાઈડર મુકેલા હતા તે ડીવાઈડર સાઈડમાં લીધા વિના રીબીન કાપી નાખવામાં આવી હતી. આ અંગે સ્થાનિકોએ કોઈ રોષ ભેર જણાવ્યું હતું કે ઉદ્ધાટન કરવાના અભરખા ધરાવતા પદાધિકારીઓએ પહેલાં બ્રિજ શરૂ કરવા માટે બ્રિજની બંને બાજુ આડશ તરીકે મોટા ડિવાઈડર મૂક્યા હતા તેને સાઈડમાં લઈ ત્યાં રીબીન બાંધી અને તેને ખુલ્લો મુકવો જોઈએ પરંતુ તેવું કરવાને બદલે માત્ર રીબીન કાપી નાખી હતી. 

રીબીન કાપવામાં આવે તેના તુરંત બાદ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થઈ જવો જોઈએ પરંતુ તેવું ન થઈ શકતા વાહન ચાલકો અને સ્થાનિકો રોષે ભરાયા હતા. બંને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા બાદ હેમખેમ વાહનોને કાબુ કરી જેસીબીની મદદ લઈ ડિવાઈડરોને ઉપાડી સાઈડમાં રાખી બ્રિજને શરૂ કરવામાં આવ્યો હતો. આમ, મનપાના પદાધિકારીઓના ઉદ્ધાટનના અભરખાએ સુવિધાને બદલે થોડીવાર માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.