Get The App

વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની ટુંડાવ બેઠકના કોંગી સદસ્ય તેમને ફાળવવામાં આવતી ગ્રાન્ટના દુરુપયોગના આક્ષેપ બાદ વિવાદમાં આવ્યા છે.જિલ્લા વિકાસ અધિકારીએ આ મુદ્દે તપાસ કરવા સૂચના આપી છે.

વડોદરા જિલ્લા પંચાયતના ભાજપના સભ્યો દ્વારા ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની કોંગ્રેસના સભ્યો દ્વારા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે.પરંતુ આ વખતે રજૂઆત કરનાર કોંગી સદસ્ય સામે જ ગ્રાન્ટના અંગત લાભ માટે ઉપયોગ થયો હોવાનો આક્ષેપ થયો છે.

સાવલી તાલુકાના ટુંડાવ ખાતે રહેતા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સિનિયર સદસ્ય ડો.પ્યારે સાહેબ સામે આજે સાવલીના કેટલાક કાર્યકરોએ ગ્રાન્ટની તપાસ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે,કોંગી સદસ્યએ રૃ.પ લાખ ચેકડેમ માટે ફાળવ્યા હતા અને આ ચેકડેમ તેમના ખેતરને પાણી મળે તે હેતુથી બનાવ્યો છે.વળી તેમણે એક જ ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવીછે.

જો કે,કોંગી સદસ્યએ આ આક્ષેપને પાયાવિહોણો અને લોકોને ગેરમાર્ગે દોરનારો ગણાવી કહ્યું છે કે,ચૂંટણી લક્ષી આક્ષેપો થઇ રહ્યા છે.આ ચેકડેમ માટે પહેલી ગ્રાન્ટમાંથી બાકી રહેલા કામ માટે બીજી ગ્રાન્ટ ફાળવી છે.વળી આ ચેકડેમથી ૨૦૦થી વધુ વીઘાં ખેતરોને પાણીનો લાભ મળે છે.હું પોતે પણ પંચાયતને તપાસ કરી અહેવાલ જાહેર કરવા માગ કરું છું.