Get The App

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી ચાલ્યા જતા વિવાદ

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી ચાલ્યા જતા વિવાદ 1 - image

Vadodara : માંજલપુર વિસ્તારમાં આવેલી રેલવે વિભાગની ગતિ શક્તિ યુનિવર્સિટી ખાતે મોદી સરકારના 12 વર્ષના સુશાસન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મેયર અને ડેપ્યુટી મેયરનું સ્વાગત કર્યું જ્યારે સ્ટેજ પર બેઠેલા ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં કરતા બંને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા જેથી વિવાદ સર્જાયો હતો.

 સરકારી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભૂતકાળમાં ભાજપના પ્રમુખ હોય કે અન્ય હોદ્દેદાર હોય તેઓને સ્ટેજ પર સ્થાન આપવામાં આવતું ન હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના પદાધિકારીઓની સાથે સાથે ભાજપના પ્રમુખ કે અન્ય હોદ્દેદારોને પણ સ્થાન આપવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. જેથી હાલમાં સરકારી કાર્યક્રમોમાં ભાજપ સંગઠનના હોદ્દેદારને સ્ટેજ પર સ્થાન આપવામાં આવી રહ્યું છે જેને કારણે કોર્પોરેશનના પાંચ પદાધિકારીમાંથી એકાદ બે પદાધિકારીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું ના હોય અને સ્ટેજ પર પક્ષના જ હોદ્દેદારને સ્થાન આપ્યું હોય જેથી કેટલીક વાર વિવાદ પણ સર્જાતો હોય છે.

 આવા જ એક સરકારી કાર્યક્રમમાં ફરી એકવાર કોર્પોરેશનના પદાધિકારી અને ભાજપ પક્ષના મહામંત્રીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતુ. માંજલપુર સ્થિત ગતિ શક્તિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા તેને ધ્યાનમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્ટેજ પર મેયર ગીતાબેન મકવાણા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને ભાજપના મહામંત્રી લકુલીશ ત્રિવેદી રમેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગતિ શક્તિ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા પ્રારંભમાં મેયર અને ડેપ્યુટી મેયરનું સ્વાગત કરવામાં આવ્યું પરંતુ બે મહામંત્રીનું સ્વાગત કરવામાં નહીં આવતા બંને મહામંત્રીએ અધિકારી સમક્ષ વિરોધ કર્યો ત્યારે અધિકારીએ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે સરકારી કાર્યક્રમ છે જેમાં પ્રોટોકોલ મુજબ મેયર અને ડેપ્યુટી મેયરનું સ્વાગત થઈ શકે છે જેથી આપનું સ્વાગત કર્યું નથી. આ વાત સાંભળીને બંને મહામંત્રીએ મેયર ડે.મેયરને પણ કાર્યક્રમ છોડીને ચાલ્યા જવા દબાણ કર્યું હતું. આખરે બંને મહામંત્રી કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. જે અંગે ગતિ શક્તિ યુનિ.ના સત્તાધીશોએ ગંભીર નોંધ લઈ ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી. ગતિ શક્તિ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ અન્ય પદાધિકારીને આમંત્રણ નહીં આપી  બાદબાકી કરવામાં આવી હતી.

 સરકારી કાર્યક્રમમાં અગાઉ જે રીતે ભાજપના તો હોદેદારોને સ્થાન આપવામાં આવતું ન હતું અને છેલ્લા કેટલાક સમયથી સ્થાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આવા વિવાદો અવારનવાર સર્જાતા રહે છે. ત્યારે આગેવાનોનું માનવું છે કે અગાઉ જે રીતે ભાજપના હોદ્દેદારોને સ્થાન આપવામાં આવતું ન હતું. તે રીતે નિર્ણય કરી તે પ્રથા ફરી અમલમાં મૂકવી જોઈએ જેથી આવા વિવાદો સર્જાય નહીં.