Get The App

આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વાયરલ

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વાયરલ 1 - image



વડોદરા શહેરમાં ફરી એકવાર ગરબા મહોત્સવ દરમ્યાન ખેલૈયાઓની અશ્લીલ હરકતોને લઈને વિવાદ ઉભો થયો છે. ગઈકાલે યુનાઈટેડ વે ગરબા મેદાનમાં NRI દંપતીના લિપ કિસનો વીડિયો વાયરલ થતા ભારે હંગામો મચ્યો હતો. માતાજીની આરાધનાના પવિત્ર ઉત્સવને કલંકિત કરતું આ કૃત્ય સામે હિન્દુ સંગઠનો, ધર્મગુરુઓ તેમજ નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ મામલો હજુ શમ્યો નથી ત્યાં આજે વધુ બે નવા વીડિયો વાયરલ થતા ફરી એકવાર વિવાદ ગરમાયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં બ્રેક દરમિયાન યુવતી યુવકના ખોળામાં બેસીને કિસ કરતી નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો સામે લોકોને ભારે નારાજગી છે. આ ઉપરાંત, યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દુષ્કર્મના આરોપી અને ભાજપના પૂર્વ કાર્યકર્તા વિલ્સન સોલંકી પોતાની પત્ની સાથે કિસ કરતા જોવા મળ્યો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. આવા દ્રશ્યો સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ ગરબાના પવિત્ર ઉત્સવને કલંકિત કરનારા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

સંસ્કારી નગરી વડોદરા ગરબા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ખેલૈયાઓની અશોભનીય હરકતોને કારણે શહેરની છબી ખરડાઈ રહી છે. પરંપરાગત રીતે માતાજીની આરાધના અને ભક્તિ માટે ઉજવાતા નવરાત્રિ ઉત્સવમાં આવી અશ્લીલ હરકતોથી લોકોમાં ભારે નારાજગી છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા આ વીડિયોઝ સામે સોશિયલ મીડિયામાં લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.  આજની પેઢી એકાંતના બદલે જાહેરમાં બિન્દાસ આ પ્રકારની હરકતો કેમ કરે છે? તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. તંત્ર અને આયોજકોને ગરબા મેદાનમાં શિસ્ત જાળવવા કડક પગલાં ભરવાની માગ લોકો કરી રહ્યા છે. આમ, એક પછી એક અશ્લીલ વીડિયોઝ વાયરલ થતા ગરબા મહોત્સવની પવિત્રતા પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ રહ્યું છે.

અશ્લીલ હરકત નથી જણાવી વિલ્સન સોલંકીએ માફી માગી

વિલ્સન સોલંકીએ એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, 'પત્નીને કાનમાં વાત કહી રહ્યો હતો તે સમયના ફોટો સાથેની રીલ અમે બનાવી હતી. જેમાં કોઈ અશ્લીલ હરકત કરી નથી. પરંતુ, આ વીડિયોના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએ.'

આયોજક અને ખેલૈયાઓ સામે કાર્યવાહી માટે એડવોકેટની રજૂઆત

ગરબાના મેદાનમાં આ પ્રકારના કૃત્યથી લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય વડોદરાના બે એડવોકેટએ પોલીસ કમિશનરને ધાર્મિક લાગણી દુભાવવા બદલ આયોજક તથા આ ખેલૈયાઓ સામે ગુનો દાખલ કરવા અને સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.


ધારાસભ્યએ કહ્યું, 'અશ્લીલ હરકત કરનાર ખેલૈયાઓને મેદાન પર જ મારો'

આવી ઘટનાઓથી રોષે ભરાયેલ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની પ્રતિક્રિયા હતી કે, 'આયોજકોને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર નાણા કમાવાનો મનસુબો છે. આવું કૃત્ય આચરનાર ખેલૈયાઓને પકડી એફઆઇઆર કરવાની આયોજકની ફરજ છે. આયોજક તથા પોલીસ કંઈ કરવાના નથી. આવા લોકોને સ્થળ પર જ મારો. મારશો તો જ ફરક પડશે. આવા વીડિયો વાયરલ થવાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી રહી છે. આ વડોદરા અને ગુજરાતની અસ્મિતાનો સવાલ છે. NRI દંપતીને માફી માગી જવા દેવું નિંદનીય બાબત છે. તેમાં દાખલો બેસે તેવી કાર્યવાહી ન થતા ફરી આવી ઘટનાઓ ઘટી છે.'

Tags :