એક્ટિવિટી ક્લાસના નામે બાળકો સાથે ભેદભાવ કરાય છે, છાણીની પોદ્દાર સ્કૂલ સામે કલેકટર કચેરીમાં રજૂઆત
શહેરના છાણી વિસ્તારમાં આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલને લઈને ફરી વિવાદ સર્જાયો છે. વાલી મંડળે સ્કૂલ સામે હવે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. વાલી મંડળનું કહેવું છે કે, સ્કૂલમાં છેલ્લા કેટલાક સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવાનો આગ્રહ રાખનારા વાલીઓએ બે મહિના પહેલા દેખાવો પણ કર્યા હતા. આવા વાલીઓના બાળકોને સ્કૂલ સંચાલકો ટાર્ગેટ કરી રહ્યા છે. જે બાળકોએ એક્ટિવિટી અને હોબી ક્લાસ માટે ફી ભરી હોય તેવા બાળકોના ક્લાસ સ્કૂલના નિયમિત સમય દરમિયાન લેવાય છે અને આ દરમિયાન એફઆરસી પ્રમાણે ફી ભરનારા અને એક્ટિવિટી તેમજ હોબી ક્લાસની ફી નહીં ભરનારા બાળકોને એક વર્ગમાં બેસાડી રાખવામાં આવે છે. તેમને બીજા કરતા ઉતરતા હોવાનો અનુભવ કરાવવામાં આવે છે. આવા બાળકોને ઘરે જઈને માતા પિતા પર એક્ટિવિટી ક્લાસની ફી ભરવા દબાણ કરવાનું કહેવામાં આવે છે.
મંડળના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ઈન્ટરનેશનલ યોગ ડે નિમિત્તે એક્ટિવિટી ક્લાસ માટે ફી નહીં ભરનારા બાળકોને યોગ પ્રેક્ટિસમાં સામેલ નહોતા થવા દેવાયા. સ્કૂલના ભેદભાવ સામે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટને રજૂઆત કરવામાં આવી હતી અને કમિશને યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હોવા છતા હજી સુધી સ્કૂલ સામે ડીઈઓ કચેરી દ્વારા કોઈ પગલા લેવાયા નથી.
બાળકો સાથે ભેદભાવના આક્ષેપો ખોટાઃ સ્કૂલ સંચાલકો
સ્કૂલ સંચાલકોએ કહ્યું હતું કે, એફઆરસીના આદેશ પ્રમાણે ઈતર પ્રવૃત્તિ માટેની વૈકલ્પિક છે અને સ્કૂલ દ્વારા આ માટે કોઈ દબાણ કરાતું નથી. એક્ટિવિટી અને હોબી ક્લાસ હોય ત્યારે સ્વાભાવિક છે કે, આ માટેની ફી નહીં ભરનારા બાળકોને અલગ બેસાડવા પડે. આવા બાળકોને પણ અમે રાઈટિંગ એક્ટિવિટી જેવી પ્રવૃત્તિમાં તો વ્યસ્ત રાખીએ છે. તેમની સાથે ભેદભાવ કરવાનો સવાલ જ નથી ઉભો થતો. હવે તો વાલીઓ સામેથી જ અમારી પાસે એક્ટિવિટી ક્લાસની ફી ભરવા માટે આવી રહ્યા છે. ઉપરાંત એફઆરસીએ નક્કી કરેલી ફી સામે સ્કૂલ અપીલમાં પણ ગઈ છે. જેના નિર્ણયની પણ અમે રાહ જોઈ રહ્યા છે.