Gujarat

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે

By GS TEAM
18 Jul 20251 min read
ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં સ્વિમિંગપુલના રોડ પર વરસાદી ગટરનું ઢાંકણું વારંવાર તૂટી જતું હોવાથી તેની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરે ધમકી આપતાં તેણે કારેલીબાગ પોલીસમાં અરજી આપી છે.

કારેલીબાગના સ્કાય હાર્મની આવાસ ખાતે રહેતા હિતેષ સાગઠિયાએ પોલીસને કહ્યું છે કે,મારા પગમાં પ્લેટ નાંખેલી છે.હું સ્કૂટર પર જતો હતો ત્યારે સ્વિમિંગપુલ વાળા રોડ પર વરસાદી ગટરનું ઢાંકણ તૂટેલું હોવાથી મેં રોડ પ્રોજેક્ટમાં ફરિયાદ કરી હતી અને સોશ્યલ મીડિયા પર ફોટો પણ મૂક્યો હતો.

આ ઢાંકણું બદલ્યા પછી બદલેલું ઢાંકણ પણ તૂટી જતાં હું ગટરમાં પડતાં બચી ગયો હતો.જેથી મેં ફરીથી અરજી કરી હતી. ત્યારબાદ મને ગઇકાલે વોટ્સએપ કોલ આવ્યો હતો અને તને શું વાંધો છે,કેમ ફરિયાદો કરે છે..તું મને ઓળખે છે,હું કોણ છું..મઝા નહિ આવે..તેમ કહી ધમકી મળી હતી.ટ્રુકોલરમાં રાજ કન્સ્ટ્રક્શનના શૈલેષ રાવનું નામ દેખાઇ રહ્યું છે.જેથી ગુનો નોંધવા પોલીસને અરજી આપી છે.