Gujarat

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂર

By GS TEAM
30 Oct 20252 mins read
મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂર

અમદાવાદ,બુધવાર,29 ઓકટોબર,2025

અમદાવાદમાં અંજલી ચાર રસ્તાથી વાસણા બેરેજના ડાઉન સ્ટ્રીમ સુધી તથા નવરંગપુરા વોર્ડમાં માણેકબાગ ક્રોસ રોડથી  અંજલી ચાર રસ્તા સુધી ૧૮૦૦ ડાયામીટરની સ્ટ્રોમ વોટર લાઈન માઈક્રો ટનલીંગ પધ્ધતિથી નાંખવાની બે અલગ અલગ દરખાસ્ત પાણી સમિતિની બેઠકમા મંજૂર કરાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે અંદાજે રુપિયા ૭૫ કરોડની કામગીરી કરવા કોન્ટ્રાકટર ટ્રેન્ચલેસ એન્જિનીયરીંગ દ્વારા તૈયારી બતાવી છે. કોન્ટ્રાકટરે કામગીરી કરવા માટેના મશીન પોતાની પાસે હોવા ઉપરાંત સિમેન્ટ સહિતના મટીરીયલ ઉપર વસૂલાતા જી.એસ.ટી.દરમા ઘટાડો થવાનુ કારણ આગળ કર્યુ છે. જયારે પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાએ કહયુ, કોન્ટ્રાકટર ગુણવત્તા મુજબની કામગીરી કરશે એ માટે તેની પાસેથી લેખિત બોન્ડ લેવાશે.

અંજલી ચાર રસ્તાથી વાસણા બેરેજના ડાઉન સ્ટ્રીમ સુધી અંદાજિત ભાવથી ૪૫.૯૦ ટકા ભાવથી એટલે કે રુપિયા ૩૮.૪ કરોડ તથા માણેકબાગ ક્રોસરોડથી અંજલી ચાર રસ્તા સુધી  રુપિયા ૩૭.૧૧ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા અંદાજિત ભાવથી ૪૬.૨૦ ટકા ઓછા ભાવથી કોઈ કોન્ટ્રાકટર તૈયાર થયા હોય એવો નજીકના વર્ષોમા એક પણ ઘટના સામે આવી નથી. કોર્પોરેશનની વિવિધ  કમિટીમા જે દરખાસ્તો મંજૂર કરવામા આવે છે એ પૈકી મોટાભાગની દરખાસ્તો અંદાજથી વધુ ભાવ આપવા વાળા કોન્ટ્રાકટરોને કામગીરી આપવા મંજૂર કરાતી હોય છે.એક જ કોન્ટ્રાકટરને આ કામગીરી આપવામા આવી છે.કોન્ટ્રાકટર પાસે આ કામગીરી કરવા  માટે છ મશીન અગાઉથી જ હોવાથી મશીનરી માટે તેને ખર્ચ કરવાનો રહેતો નથી એવો સત્તાધારી પક્ષ તરફથી દાવો કરાયો છે. સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરી પુરી થયા પછી આ લાઈનનુ સાબરમતી નદીમા સીધુ કનેકશન આપવામા આવશે.જેથી નહેરુનગર સર્કલ, માણેકબાગ, શ્રેયસ બ્રિજ,જયદીપ ટાવર, ધરણીધર ચાર રસ્તા, અંજલી ચાર રસ્તા સહીત આસપાસના વિસ્તારમા ચોમાસામા વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થશે એવી સંભાવના વ્યકત કરાઈ છે.