લાઈસન્સ વગર શિલ્પા હોસ્પિટાલિટીને મેસ ચલાવવા આપી, હવે કોન્ટ્રાક્ટ રદ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા મેસ બંધ કરવાના આદેશ સિવાય કોન્ટ્રાક્ટર શિલ્પા હોસ્પિટાલિટી સર્વિસીસ સામે કોઈ નક્કર પગલા લેવાયા નથી.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિલ્પા હોસ્પિટાલિટીને લાઈસન્સ વગર વ્યવસાય કરવા બદલ તેમજ સ્વચ્છતા અંગે નોટિસ ફટકારી છે. સાથે સાથે કોર્પોરેશને કિચનમાંથી ફૂડ, રો મટિરિયલ્સ અને પાણીના મળી કુલ ૩૨ નમુના તપાસ માટે લીધા છે.
આમ યુનિવર્સિટી સત્તાધીશોએ લાઈસન્સ નહીં હોવા છતા આ કોન્ટ્રાકટરને મેસ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપતા સત્તાધીશોની દાનત સામે સંખ્યાબંધ સવાલો ઉભા થયા છે.ડો.શ્રીવાસ્તવના કાર્યકાળથી ગર્લ્સ હોસ્ટેલમાં ચારે મેસનો કોન્ટ્રાક્ટર દિવ્યા હોસ્પિટાલિટીને જ મળી રહ્યો છે અને વર્તમાન વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલના કાર્યકાળમાં પણ આ જ કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટર મળ્યો છે ત્યારે તેના માટે કયા અધિકારીની રહેમનજર જવાબદાર છે તેની તપાસની પણ માગ ઉઠી છે.ફૂડ પોઈઝિંગની ઘટના બાદ વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ વાઈસ ચાન્સેલર ઓફિસમાં હંગામો કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ ગંભીર બનાવમાં શિલ્પા હોસ્પિટાલિટીના કોન્ટ્રાકટર બાલા શેટ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ કરી હતી.જોકે સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધવાની કોઈ હિલચાલ કરી નથી.આમ યુનિવર્સિટી સત્તાધીશો કોન્ટ્રાકટરને છાવરી રહ્યા હોવાની ચર્ચા પણ યુનિવર્સિટી મોરચે શરુ થઈ છે.
૨૪ કલાક બાદ સત્તાધીશોને ભાન થયું
શિલ્પા હોસ્પિટાલિટીનો મેસ ચલાવવાનો કોન્ટ્રાક્ટ રદ
વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે ભવિષ્યમાં પણ યુનિ.માં કોઈ કોન્ટ્રાક્ટ નહીં અપાય
એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે પહેલા કમિટિ બનાવવાનું રટણ કર્યા બાદ આખરે ફૂડ પોઈઝનિંગની ઘટનાના ૨૪ કલાક બાદ શિલ્પા હોસ્પિટાલિટી કમ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી.
સત્તાધીશોએ રાત્રે આઠ વાગ્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે અને તેના કારણે શિલ્પા હોસ્પિટાલિટી કમ કેટરર્સને ભવિષ્યમાં યુનિવર્સિટીમાં કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દરમિયાન ચીફ વોર્ડને કહ્યું હતું કે, યુનિવર્સિટીના નિયમો પ્રમાણે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ૬૦ રુપિયામાં અનલિમિટેડ થાળી આપવામાં આવે છે.જ્યારે વિદ્યાર્થીઓ માટે મેસમાં ભોજન કરવું ફરજિયાત નથી હોતું.કોન્ટ્રાક્ટર પણ ૬૦ રુપિયા કરતા વધારે રકમ લઈ શકતો નથી.








