Get The App

કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ 1 - image


માત્ર 18 દિવસમાં કચ્છમાં 3 થી વધુ તીવ્રતાના 8 ભૂકંપો! 

ગુજરાત જ્યાં પૃથ્વીના બે પોપડાં કરોડો વર્ષથી અથડાય છે તે હિમાલયન કોલાઈઝન ઝોનમાં અને કચ્છમાં સૌથી વધુ જોખમ

રાજકોટ: ઈ.સ.૧૮૧૯ અને ઈ.૨૦૦૧માં જ્યાં ભયાનક ભૂકંપોએ ભારે વિનાશ વેર્યો છે તે કચ્છની ધરતીના પેટાળમાં આ મહિનામાં ભૂકંપીય ગતિવિધિમાં વધારા જોવા મળ્યો છે. માત્ર ૧૮ દિવસમાં અને તે પણ ૩.૦થી વધુ તીવ્રતાના ભૂકંપો કચ્છમાં નોંધાયા છે અને આજે ધોળાવીરા પાસેની ધરતી ધુ્રજી ઉઠી હતી જેમાં રિચર સ્કેલ પર ૩.૭નો ધરતીકંપ નોંધાયો છે. 

ધોળાવીરાથી ૨૬ કિ.મી. પશ્ચિમોત્તર દિશામાં ૨૪.૦૨૨ અક્ષાંસ અને ૭૦.૦૨૨ રેખાંશ ઉપર કચ્છ રણ સરોવરમાં જમીનની અંદર ૩૫ કિલોમીટર ઉંડાઈએ આ ધરતીકંપ આજે સવારે ૭.૨૦ વાગ્યે ઉદ્ભવ્યો હતો. આ પહેલા (૧) પાંચ દિવસ પહેલા તા.૩૧ જૂલાઈએ બેલા પંથકમાં ૩.૩ (૨) તા.૨૯ જૂલાઈએ ખાવડાથી ૪૦ કિ.મી.ઉત્તરે ૩.૭ની તીવ્રતા (૩) તા.૨૭ જૂલાઈએ ધોળવીરા પાસે પણ જુદી દિશા, ૩૧  કિ.મી.દક્ષિણ-પશ્ચિમે ૩.૦ની તીવ્રતા (૪) તા.૨૨ જૂલાઈએ ધોળાવીરાથી ૯૮ કિ.મી. ઉત્તર પશ્ચિમે ભારત-પાક.સરહદ પાસે (૫) તા.૨૦ જૂલાઈએ તા.૨૨ એપ્રિલ પછીનો સૌથી મોટો ૪.૦નો ભૂકંપ ખાવડાથી ૨૦ કિ.મી. ઉત્તર-દક્ષિણ દિશાએ (૬) આ જ દિવસે તા.૨૦ના ભચાઉથી ૧૦ કિ.મી.ઉત્તર-પશ્ચિમ દિશાએ ૩.૧ની  તીવ્રતા (૭) તા.૧૭ના ભચાઉથી ૧૧ કિ.મી.ઉત્તર પૂર્વ દિશામાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આમ, તા.૧૭-૭-૨૦૨૫થી આજે તા.૫-૮-૨૦૨૫ સુધીના માત્ર ૧૮ દિવસમાં ૮ તીવ્ર ધરતીકંપ નોંધાયા છે. 

ગુજરાત રાજ્ય, જ્યાં ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ (પૃથ્વીનો વિશાળ પોપડો) યુરેશિયન પ્લેટની નીચે સરકી રહ્યો છે જેનાથી પેટાળમાં અથડામણ થાય છે તેવા હિમાલયન કોલાઈઝન ઝોનમાં આવે છે અને કચ્છ ડિસ્ટ્રીક્ટ એ સિસ્મીક ઝોનમાં ભૂકંપના સૌથી વધુ જોખમવાળા ઝોન-૫માં આવે છે જ્યાં અનેક ફોલ્ટલાઈન છે. 

- કચ્છમાં ઈ.2001ના ભૂકંપ પછી 5થી વધુ તીવ્રતાના બે ધરતીકંપો

રાજકોટ: ગુજરાતમાં ૨૦૦ વર્ષના સમયમાં મહાવિનાશક ગણાતા ૯ ભૂકંપો ઈ.સ.૧૮૧૯માં, ૧૮૪૫, ૧૮૪૭, ૧૮૪૮, ૧૮૬૪, ૧૯૦૩, ૧૯૩૮, ૧૯૫૬ અને છેલ્લે ૨૦૦૧માં એમ ૯ ભૂકંપો નોંધાયા છે જેમાં કચ્છનો ૨૦૦૧નો ભૂકંપ તો બે સદીાં ભારતનો બીજા નંબરનો સૌથી વિનાશક ભૂકંપ છે. ઈ.સ.૨૦૦૧ પછી કચ્છમાં અનેક ભૂકંપો નોંધાયા છે જેમાં પચીસ વર્ષનો સૌથી વધુ તીવ્રતાનો ધરતીકંપ તા.૧૪-૬-૨૦૨૦ના ભચાઉ પંથકમાં અને તા.૨૦-૪-૨૦૧૨ના ધોળાવીરા પાસે ૫.૦ની તીવ્રતાનો નોંધાયેલ છે.


Tags :