વડોદરાના છાણી વિસ્તારમાં સતત બીજે દિવસે દારૂનો મોટો કેસ મળી આવતા બુટલેગરોની ઉતરાયણ બગડી છે. ગઈકાલે 50 લાખના દારૂનો કેસ થયા બાદ આજે છાણી વિસ્તારમાંથી વધુ એક દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે.
છાણી રામાકાકાની દેરી સામે મોહન સિંહ શેખાવત દારૂનો મોટો જથ્થો મંગાવી તેનું કટીંગ કરનાર હોવાની માહિતી મળતા નાયબ પોલીસ કમિશનર ની એલસીબી ટીમે વોચ રાખી રાત્રે છાપો માર્યો હતો.
પોલીસે એક કન્ટેનર ને તપાસતા અંદર ચોખાની 800 બોરી મળી આવી હતી. પરંતુ તેની નીચે થી 18 લાખ ઉપરાંતની કિંમતની દારૂની 5844 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત ઉપરોક્ત સ્થળેથી એક કાર પણ મળી આવી હતી.
પોલીસે કન્ટેનર, દારૂ અને ચોખા મળી કુલ 50 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી સાકીર નજીર મોહમ્મદ ખાન (કુકર પૂરી, ભરતપુર,રાજસ્થાન) ની ધરપકડ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે કરોડિયા ગામના મોહન રણવીર સિંહ શેખાવત અને ફારૂક નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.


