Gujarat

કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું

By GS TEAM
10 Aug 20252 mins read
કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું

- જિલ્લામાં રૂા. 1.13 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

- કરજણ પાસે ઝડપાયેલા કન્ટેનરમાં યુરિયા ભરેલું હોવાના બોગસ બિલો મળ્યા : પાદરામાં માર્બલ ગોડાઉનમાં દારૂનું કટિંગ થતું હતું

પાદરા, કરજણ : વડોદરા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લા પોલીસે કરજણ અને પાદરા તાલુકામાંથી રૂા.૧.૧૩ કરોડનો દારૂ સહિત કુલ રૂા.૧.૩૯ કરોડનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કરજણ નેશનલ હાઇવે પર ભરથાણા ટોલનાકા પાસે જિલ્લા એલસીબીનો સ્ટાફ વાહનોનું ચેકિંગ કરતો હતો ત્યારે એક ટ્રેલર કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેવી શંકા સાથે તેને રોકી ડ્રાઇવર શિવકુમાર રામઅશય યાદવ (રહે.શ્રીરામનગર, પાલદા, જિલ્લો ઇન્દોર, મધ્યપ્રદેશ)ની પૂછપરછ કરતાં તેણે કન્ટેનરમાં યુરિયા હોવાનું કહ્યું હતું. પરંતુ પોલીસે કન્ટેનર ખોલીને જોતા અંદર દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. ડ્રાઇવરે શ્રી ક્રિષ્ણા સેલ્સ એજન્સી, નાસિક અને શ્રી લીલાશાહ સેલ્સ એજન્સી વેરાવળનું બિલ તેમજ બિલ્ટી રજૂ કર્યા હતા તે ખોટું જણાયું હતું.

પોલીસે રૂા.૪૩.૦૩ લાખ કિંમતની દારૂની ૯૦૩૧ બોટલો મળી કુલ રૂા.૫૩.૧૧ લાખનો મુદ્દામાલ સાથે ડ્રાઇવરની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સંતોષ મલીક નામના શખ્સે મને વોટ્સએપ કોલ કરી કીમ ચોકડી પાસેથી ટ્રેલર કન્ટેનર આપ્યું હતું અને વેરાવળ જવા કહ્યું હતું. આ અંગે કરજણ પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં ગઇ રાત્રે એલસીબીનો સ્ટાફ પાદરામાં રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પાદરા-જંબુસરરોડ પર પંચવટી સોસાયટીની સામે માર્બલના એક ગોડાઉનમાં તપાસ કરતાં દારૂનો જથ્થો ભરેલું ટ્રેલર કન્ટેનર મળ્યું  હતું આ ઉપરાંત બે ટેમ્પો, બાઇક સહિત કુલ પાંચ વાહનો જણાયા હતાં. પોલીસે તપાસ કરતાં કન્ટેનરોમાંથી રૂા.૭૦.૮૬ લાખ કિંમતની ૧૭૩૦૪ દારૂની બોટલો મળી હતી પરંતુ સ્થળ પર કોઇ વ્યક્તિ જણાઇ ન હતી. પોલીસે કુલ રૂા.૮૬.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરતા ગોડાઉનની કેબિનમાંથી ભુમી એન્ટરપ્રાઇઝ ધર્મેશ ગુર્જરના નામનું વિઝિટિંગ કાર્ડ મળ્યું હતું. આ અંગે પાદરા પોલીસમાં ગુનો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.