વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

- વડોદરા- અમદાવાદ ને.હા. ઉપર આવેલા
- ગુપ્ત ખાનામાં દારૂની 351 પેટી સંતાડી હતી : રાજસ્થાનના બે શખ્સની અટકાયત સાથે 3 વિરૂદ્ધ ગુનો
વાસદ પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક ટ્રક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ ટોલનાકા નજીકથી પસાર થનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ વાસદ ટોલનાકાથી થોડે દૂર વોચમાં હતી. દરમ્યાન ટ્રક આવી ચડતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકના ચાલક તથા તેની સાથે સવાર અન્ય એક શખ્સના નામ ઠામ અંગે પૂછતા તે મોહનલાલ સતારામ સારન જાટ (ચાલક) અને કૃષ્ણકુમાર પુરારામ ગોદારા બંને રહે. બાડમેર રાજસ્થાનવાળા હોવાનું અને કન્ટેનર ખાલી હોવાનું જણાવ્યું હતું. પોલીસે શંકાને આધારે તપાસ કરતા કેબિન નજીકથી એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. જે ખોલીને અંદર જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક તથા તેની સાથેના શખ્સની અટકાયત કરી ટ્રક કન્ટેનર પોલીસ મથકે લાવી ગણતરી કરતા વિદેશી દારૂની કુલ ૩૫૧ નંગ પેટીઓ થઈ હતી જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૮,૯૬,૮૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૬૯,૦૬,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ બંને શખ્સોની પૂછપરછ કરતા જગદીશ નામના શખ્સે ચંડીગઢ પંજાબ હોટલથી દારૂ ભરેલ ટ્રક આપી હતી. ગુજરાતમાં આવતા તે ફોન ઉપર સંપર્કમાં રહી તેના બતાવ્યા પ્રમાણે ગાડી લઈ આગળ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

