સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણીના સંદર્ભમાં રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મંગળવાર, ૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી.
આ પરામર્શ બેઠકનો મુખ્ય હેતુ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થયેલા વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણીના પ્રાથમિક આદેશ અન્વયે નોંધાયેલા માન્ય રાજકીય પક્ષો તરફથી રજૂ થયેલા વાંધા અરજીઓ અને સૂચનો પર ચર્ચા-વિચારણા કરવાનો હતો. બેઠકમાં શહેરી ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુરેન્દ્રનગરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મુંબઈ પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમો-૧૯૯૪, નિયમ-૮ની જોગવાઈ મુજબ, નવીન અસ્તિત્વમાં આવેલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડની રચના અને અનામત બેઠકોની ફાળવણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી. તેમજ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ બેઠક ફાળવણી, વોર્ડ રચના અને અન્ય આનુષંગિક પ્રશ્નો અંગે પોતાની રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને કમિશનરના અધ્યક્ષ સ્થાને પૂરતી ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. આ પરામર્શ બેઠકમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ, સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જવાબદાર અધિકારીઓ, અને રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠક દ્વારા લોકશાહી પ્રક્રિયાને સુદ્રઢ બનાવવા અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.


