વડોદરામાં ટ્રાફિકને અવરોધતા પાર્કિંગ જગ્યા વગરના બાંધકામો અને ફૂટપાથના દબાણો

Vadodara Corporation : વડોદરામાં વધતા વાહનોને કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ગંભીર બની છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા હાલ વિવિધ વિસ્તારોમાં નવા પે-એન્ડ-પાર્કિંગ શરૂ કરવાની અને 100 જેટલા પ્લોટ પાર્કિંગ માટે વિકસાવવાની યોજના છે. છતાં વર્ષો પહેલા શરૂ થયેલ મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેક્ટ હજી કાગળ પર છે. ફૂટપાથ પર દબાણ અને બાંધકામોમાં પાર્કિંગના અભાવથી નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
હાલ શહેરમાં એસ.ટી.બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા ખંડેરાવ માર્કેટ સહિત ત્રણ સ્થળોએ પાલિકા સંચાલિત પાર્કિંગની સુવિધા કાર્યરત છે, જ્યારે અનેક સ્થળોએ ખાનગી પે-એન્ડ-પાર્કની વ્યવસ્થા ઉપલબ્ધ છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા તરસાલી, છાણી ફ્લાયઓવર, લહેરીપુરા રોડ, ફતેગંજ બ્રીજ, હરીનગર, તાંદળજા, સમા અને હરણી લેક ઝોન સહિતના વિસ્તારોમાં નવા પે-એન્ડ-પાર્કિંગ માટે વાર્ષિક ઈજારાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ અને જૂના ચાર દરવાજા વિસ્તારમાં તબક્કાવાર રીતે મલ્ટી સ્ટોરી પાર્કિંગના પ્રોજેક્ટ પણ હાથ ધરાશે. જો કોઈ વાહન નોન-પાર્કિંગ ઝોનમાં ઉભું રહેશે તો પાલિકા દ્વારા ટોઇંગ વ્હિકલથી કાર્યવાહી કરવામાં આવશે અને દંડ વસૂલાશે. આગામી સમયમાં દરેક ઝોનમાં બે ટોઇંગ વ્હિકલની ખરીદીનું પણ આયોજન છે.
વર્ષો અગાઉ મલ્ટીલેવલ પાર્કિંગનું ડેમોસ્ટ્રેશન થયું છતાં પ્રોજેક્ટ હજુ કાગળ પર
સ્માર્ટ સિટીના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર અને અલકાપુરી આર.સી.દત્ત રોડ પર ખાતે મલ્ટીલેવલ પાર્કિંગનું આયોજન હતું. પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરીને 6 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવી 1 હજાર જેટલા વાહનોની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાના દાવા હતા. જેના ભાગરૂપે પ્રોજેક્ટની ડેમોસ્ટ્રેશનની પ્રક્રિયા પણ થઈ હતી.
ફૂટપાથની નવી ડિઝાઈનથી દબાણકર્તાઓને મોકળું મેદાન મળતા રાહદારીઓ પરેશાન
વાહનોની વધતી સંખ્યા વચ્ચે વડિલો, વૃધ્ધો, મહિલાઓ અને બાળકો માટે રસ્તો પાર કરવો મુશ્કેલ બની ગયો છે. ફૂટપાથના અભાવે રાહદારીઓ વાહનોની ભારે અવર-જવર વચ્ચે જોખમ ખેડી માર્ગ ઉપર ચાલવા મજબૂર બન્યા છે. ફૂટપાથ પર ગેરકાયદે દબાણ અને વાહનોના પાર્કિંગ જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા નવા ફૂટપાથની ડિઝાઇનથી દબાણ અને ટ્રાફિકની સમસ્યા વધી છે. તેમાં પણ હવે ફૂટપાથની કેટલીક જગ્યા પાર્કિંગ માટે ફાળવતા મુશ્કેલી વધશે.
મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં પાર્કિગની જગ્યાઓ દુર્લભ બની ગઈ
શહેરની મોટાભાગની રહેણાંક સોસાયટીઓમાં પાર્કિંગની જગ્યાઓ દુર્લભ બની ગઈ છે. જેના કારણે લોકો તેમના વાહનો અનધિકૃત વિસ્તારોમાં પાર્ક કરી રહ્યા છે. પરિણામે અન્ય રહેવાસીઓ માટે અરાજકતા અને અસુવિધા ઊભી થાય છે. આ ઉપરાંત પાર્કિંગ જગ્યા વગરના બાંધકામો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વકરી
વડોદરા શહેર જિલ્લામાં પાછલા 5 વર્ષમાં 4.85 લાખ વાહનોના રજીસ્ટ્રેશન સાથે કુલ વાહનોની સંખ્યા વધીને 18.86 લાખે પહોંચી છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિક-પાર્કિંગની વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે. જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે.

