વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ પરેશાન

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ એસ.કે. કોલોનીનું રમતગમત મેદાન હાલ કન્સ્ટ્રક્શનના કચરાથી અસ્તવ્યસ્ત બન્યું છે. મેદાનમાં પેવર બ્લોક, કાટમાળ, માટી અને ગંદકીના ઢગલા ઠલવાતા બાળકોને રમતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આસપાસના રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે.
સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે,આ મેદાન બાળકો અને યુવાઓ માટે રમતગમતની મુખ્ય જગ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વેસ્ટ ઠલવાતો હોવાથી મેદાન અયોગ્ય બની ગયું છે. દિવાળીના વેકેશન દરમિયાન બાળકોને રમવા માટે યોગ્ય સ્થળ ન મળવાથી વાલીઓ ચિંતિત છે. ''દિવાળીના વેકેશનમાં બાળકો મેદાનમાં નહીં રમે તો ક્યાં જશે?'' તેવો પ્રશ્ન સ્થાનિક વાલીઓ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક આગેવાનોએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, “એક તરફ સરકાર ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહન આપી રહી છે અને યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ વધારવા નીતિઓ ઘડી રહી છે, ત્યારે આવી બેદરકારી અનેક સવાલો ઊભા કરે છે.” તંત્રને તાત્કાલિક મેદાનમાંથી કચરો દૂર કરી, મેદાનને સ્વચ્છ અને ઉપયોગી બનાવવા જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.