વડોદરાના પશ્ચિમ ઝોનમાં રૂ.3.50 કરોડના ખર્ચે 12 નવા રસ્તા બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશને શહેરના વિસ્તરણ બાદ પશ્ચિમ ઝોનના વોર્ડ નં.10 અને 12માં આવતાં નવીન આઉટગ્રોથ વિસ્તારોમાં નાગરિકોને આધુનિક માર્ગ સુવિધા પૂરી પાડવા માટે માર્ગ નિર્માણની કામગીરી શરૂ કરી છે.
બીલ, કલાલી અને ભાયલી વિસ્તારોમાં કુલ 12 નવા માર્ગોની કામગીરી રૂ.3.50 કરોડના ખર્ચે હાથ ધરાઈ છે. આ સાથે જ કોર્પોરેશને આગામી સમયમાં પશ્ચિમ ઝોનમાં રૂ.23.08 કરોડના ખર્ચે 70 નવા મુખ્ય અને આંતરિક માર્ગો બનાવવાનું આયોજન કર્યું છે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં જણાવાયું કે, વધારાના 55 માર્ગોનું સર્વેક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે તમામ માર્ગો મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ અને ઈન્ડિયન રોડ કોંગ્રેસની ગાઇડલાઇન મુજબ બનશે. પ્રોજેક્ટ વિભાગના કામો માટે DLP સમયગાળો 10 વર્ષ અને ઝોન દ્વારા કરાયેલ કામો માટે 5 વર્ષ રહેશે. શહેરમાં હવે પેકેજ રોડ સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે. જેથી શહેરના રસ્તાઓ ખાડામુક્ત અને ટકાઉ બને. પ્રથમ તબક્કામાં પશ્ચિમ ઝોનમાં ત્યારબાદ અન્ય ઝોનમાં કામગીરી થશે.

