રાજ્યભરની કચેરીમાં કાયમી કર્મચારીઓનો અભાવ : આઉટસોર્સિંગથી કર્મચારીઓની નિમણુક થતી હોવાને કારણે પુરો પગાર મળતો નથી; કાગળ ઉપર પુરા થતા 'લક્ષ્યાંક'
રાજકોટ, : બાંધકામ શ્રમયોગીના કલ્યાણકારી યોજનાઓનો લાભ શ્રમિકો સુધી પહોંચાડવા માટેની કામગીરી કરતી રાજ્યભરની કચેરીમાં કાયમી સ્ટાફને બદલે કામચલાઉ ધોરણે કર્મચારીઓ ફરજ બજાવતા હોવાથી જુદી-જુદી 18થી 20 યોજનાઓની કામગીરી મંથક ગતિએ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ યોજના હેઠળ અન્નપુર્ણા યોજના કાર્યરત છે. જેમાં રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં બાંધકામ શ્રમિક તરીકે કાર્યરત કડિયાઓને માત્ર રૂા. 5માં ભોજન આપવામાં આવે છે. રાજકોટમાં દરરોજ 1100 લાભર્થીઓ આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. એ જ રીતે જિલ્લામાં બાંધકામ શ્રમયોગીના આરોગ્યની જાળવણી માટે 12 ધન્વંતથરી રથ દોડાવવામાં આવે છે. બાંધકામ શ્રમિકોના આરોગ્ય ચકાસણી કરી દવાઓ આપવામાં આવે છે. બાંધકામ શ્રમિક પરીવારોને મદદરૂપ થવા માટેની કચેરીમાં એક પ્રોજેક્ટ મેનેજર અને એક ડેટા એન્ટ્રી ઓપરેટરની આઉટસોર્સીંગથી નિમણુંક કરવામાં આવી છે. અલબત્ત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જુદી-જુદી યોજનાઓની જવાબદારી જે નિરીક્ષકને સોંપવામાં આવી છે તે કર્મચારીઓ કાયમી ધોરણે વિભાગમાં અન્યત્ર ફરજ બજાવી રહ્યા હોય છે. અહીંની કામગીરીનો વધારે હવાલો સોંપવામાં આવ્યો છે.
કર્મચારી સુત્રોએ જણાવ્યું છે કે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ અઢળક છે. શ્રમિકોને કલ્યાણકારી યોજનાઓના કાર્ડ કાઢી આપવાના લક્ષ્યાંકો ફાળવાઈ રહ્યા છે. જે કાગળ ઉપર તો પુરા થઈ જાય છે પરંતુ કાયમી સ્ટાફના અભાવે સ્થિતિ જુદી જ હોય છે. વિશાળ ભવનોમાં ચાલતી ઓફિસોમાં પ્રચાર સાહિત્ય આવે છે. અવનવી યોજનાઓ માટે નાણાં ફાળવવામાં આવે છે. પરંતુ આઉટ સોર્સીંગ એજન્સી મારફતે કર્મચારીઓની થતી નિમણુંકને લીધે દરેક જિલ્લામાં કર્મચારીઓનું જબરૂ આર્થિક શોષણ થતું રહે છે. પુરો પગાર મળતો નથી. જેના કારણે શ્રમિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં કર્મચારીઓને રસ રહેતો નથી. સરકારી કામગીરી માત્ર અહેવાલો સુધી જ સીમીત રહી જાય છે, અસરકારક બનતી નથી.


