Surat Corporation : સુરત શહેરમાં બાંધકામ ક્ષેત્રમાં મંદી હોવાની સતત ફરિયાદ ઉઠે છે પરંતુ સુરત પાલિકાના પેઈડ FSI ના આંકડા આ મંદીની વાતને ખોટી સાબિત કરી રહ્યાં છે. સુરત પાલિકાના પેઈડ FSI ના આંકડા જોતાં છેલ્લા ચાર વર્ષમાં આ આવક વધીને ડબલ થઈ ગઈ છે. જો મંદી હોય તો આ આવકમાં ઘટાડો થયો હોય પરંતુ આવક ડબલ થઈ ગઈ હોવાથી રીયલ એસ્ટેટમાં મંદીની વાત ખોટી હોવાનું પાલિકાના આંકડા સાબિત કરી રહ્યાં છે.
સુરત શહેરમાં રિયલ એસ્ટેટમાં તેજીનો ફુગ્ગો ફુટી ગયો છે અને મંદી થઈ રહી છે તેવી સતત ફરિયાદ થઈ રહી છે. પરંતુ સુરત પાલિકા વિસ્તારમાં જે બાંધકામ થાય છે તેના માટે વધારાની પેઈડ FSI ની આવક સતત વધી રહી છે. સુરત પાલિકામાં પેઈડ FSI ની વાત કરવામા આવે તો વર્ષ 2021-22માં 513.34 કરોડ, 2022-23માં 625.32 કરોડ, 2023-24માં 1,019.60 કરોડ અને 2024-25માં 1,102.04 કરોડની રેકોર્ડ આવક થઇ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં 224 કરોડની આવક સાથે, વર્ષના અંત સુધીમાં ગત વર્ષનો 1,102.04 કરોડનો આંકડો પાર થવાની શક્યતા નકારી શકાતી નથી. પાલિકાના આ આંકડા શહેરના બાંધકામ ક્ષેત્રમાં તેજી હોવાની વાતનો સુર પુરી રહ્યા છે. ઓકટ્રોય નાબુદી બાદ સુરત પાલિકાનો વિકાસ વિવિધ વેરા અને ગ્રાન્ટ પર નિર્ભર રહ્યો છે ત્યારે પેઈડ FSI પાલિકા માટે આવકનો મહત્વનો સ્ત્રોત બની રહ્યો છે. સુરત શહેરનો વિકાસ અવિરત પણે આગળ વધે તે માટે 1લી એિપ્રલથી 31મી મે સુધીમાં સુરત મનપાના મધ્યસ્થ વિકાસ વિભાગે 144 જેટલી બાંધકામોની ફાઇલને સૈધ્ધાતિક મંજુરી આપી છે. એટલે કે કુલ 250 કરોડના બાધકામોના કામને મંજુરી આપવામાં આવી છે.
જેના કારણે આ સમય દરમિયાન જ સુરત પાલિકાની તિજોરીમાં પેઈડ FSI પેટે 224 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્લોટ વેલીડેશનની 423 જેટલી ફાઇલોને મંજુરી આપવામાં આવી છે. અને 61 જેટલા બાંધકામોને બીયુ સર્ટીફીકેટ આપવામાં આવ્યા છે. આમ સુરતમાં રિયલ એસ્ટેટમાં મંદી છે તેવી વાતનો ફુગ્ગો ફુટી ગયો છે અને બાંધકામ ક્ષેત્રમાં હવે તેજીનો માહોલ પાલિકાના આંકડા પરથી જોવા મળી રહ્યો છે.
પીવીસી, વિકાસ પરવાનગીની ફાઇલનો નિકાલ ન થતો હોવાની વાત પણ ખોટી છે ? : એસો. દ્વારા ફરિયાદ કરવામાં આવે છે પરંતુ કઈ ફાઈલનો નિકાલ થતો નથી તે યાદી આપવામાં આવતી નથી
સુરત પાલિકા વિસ્તારમાં રિઅલ એસ્ટેટમાં તેજી છે અને પાલિકાની પેઈડ FSI ની આવક સતત વધી રહી છે તેની વચ્ચે બિલ્ડર એસો. દ્વારા મ્યુનિ. કમિશ્નરને શહેર વિકાસ વિભાગ દ્વારા પીવીસી, વિકાસ પરવાનગીની ફાઇલનો નિકાલ થતો ન હોવાની ફરિયાદ કરવામાં આવે છે. પરંતુ કઈ ફાઈલનો નિકાલ થતો નથી તે ફરિયાદ કરવામાં આવતી નથી જેના કારણે આ ફરિયાદ ખોટી હોવાનું કહેવાઈ રહ્યું છે.
સુરત પાલિકા દ્વારા છેલ્લા બે મહિના જેટલા ટૂંકા ગાળામાં 44 પ્રોજેકટોની ફાઇલોનો નિકાલ, 423 પીવીસી (પ્લોટ વેલીડેશન સર્ટી) ઇશ્યુ કરવામાં આવ્યા છે અને 61 જેટલા પ્રોજેક્ટને બીયુ પરમીશન આપવામા આવી છે. આ વચ્ચે હાલમાં સુરતના બે બિલ્ડર એસો. દ્વારા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અથવા શહેરી વિકાસ વિભાગના અધિકારી મનીષ ડોક્ટર દ્વારા પીવીસી (પ્લોટ વેલીડેશન સર્ટી)ની ફાઇલનો નિકાલ કરવામાં આવતો નથી તેવી ફરિયાદ કરવામાં આવે છે. પરંતુ આ એસો.ને કઈ ફાઇલનો નિકાલ નથી થયો તેવું પૂછવામાં આવે તો તે યાદી એસો. આપી શકતું નથી તેથી કોઈ વ્યક્તિગત ફાઇલનો નિકાલ ન થયો હોય પરંતુ રજુઆત સામુહિક કરવામાં આવતુ હોવાનું ચિત્ર બહાર આવી રહ્યું છે.


