Gujarat

વાઘોડિયામાં ૩૨ વર્ષના કોન્સ્ટેબલનો ઓઢણીથી ગળા ફાંસો ખાઇ આપઘાત

By GS TEAM
6 Aug 20251 min read
વાઘોડિયામાં ૩૨ વર્ષના કોન્સ્ટેબલનો ઓઢણીથી ગળા ફાંસો ખાઇ આપઘાત

વડોદરા, તા.6 વાઘોડિયામાં ભાડાના મકાનમાં રહેતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે આજે પંખા પર ઓઢણીથી ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં જિલ્લા પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં માડોધરરોડ પર આવેલી રણછોડધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા કોન્સ્ટેબલ પ્રકાશ શંકરભાઇ રાઠવા (ઉ.વ.૩૨) સવારે ઘેર હતો અને પત્ની સવારે આઠ વાગે નર્સની નોકરી પર ગઇ  હતી. બપોરે બે વાગે પત્ની ઘેર પરત ફરી ત્યારે ઘર બંધ હતું જેથી દરવાજો ખખડાવવા છતાં પ્રકાશે ઘર ખોલ્યું ન હતું બાદમાં બારીમાંથી જોયું તો પ્રકાશ પંખા પર લટકતી હાલતમાં જણાતા પત્નીએ બૂમાબૂમ કરી હતી.

આ અંગે વાઘોડિયા પોલીસને પણ જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને દરવાજો ખોલી અંદર તપાસ કરતાં ઓઢણીથી કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાધો હોવાનું જણાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૧૭ની બેચના કોન્સ્ટેબલ પ્રકાશની છેલ્લા અઢી વર્ષથી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોકરી હતી. દારૃ પીવાની ટેવ હોવાથી તે નોકરીમાં અનિયમિત રહેતો હતો. તા.૩૦ જુલાઇના રોજ એક દિવસની રજા પર ગયા બાદ છેલ્લા એક સપ્તાહથી ફરજ પર આવ્યો ન હતો.

પ્રેમલગ્ન કરનાર કોન્સ્ટેબલ પ્રકાશ રાઠવા પોલીસ સ્ટેશનમાં ખાસ કોઇ સાથે વાતચીત કરતો ન હતો અને સુનમૂન રહેતો હતો. કોન્સ્ટેબલે ક્યા કારણોસર મોત વહાલું કર્યું તે દિશામાં વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.