અંતે મહેમદાવાદના કોન્સ્ટેબલ પ્રવિણ ચૌહાણ સામે ગુનો નોંધાયો
પતિ સાથેના ઝઘડાની અરજી કરવા ગયેલી પરિણીતાની લાચારીનો લાભ ઉઠાવ્યો : ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ
આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, મહેમદાવાદ તાલુકાના એક ગામમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાને તેના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આશરે ચાર વર્ષ અગાઉ પતિ દારૂ પીને મારઝૂડ કરતો હોવાથી પરિણીતા મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ કરવા ગઈ હતી. તે સમયે ત્યાં ફરજ પર હાજર કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ભરતસિંહ ચૌહાણ (રહે. ઘોડાલી, તા. મહેમદાવાદ) સાથે પરિણીતાનો પરિચય થયો હતો. કોન્સ્ટેબલે પરિણીતાને કાયદાકીય તથા આથક રીતે મદદ કરવાનો વિશ્વાસ આપી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. શરૂઆતમાં મિત્રતા રાખ્યા બાદ આરોપીએ પરિણીતાને 'હું તને પ્રેમ કરું છું, તારા જીવનની દરેક ખુશી આપીશ અને તારી સાથે લગ્ન કરીશ' તેવી વાતો કરી ભોળવી હતી. આરોપી અવારનવાર પરિણીતાના ઘરે જતો હતો અને પતિની ગેરહાજરીમાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા, તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. કોન્સ્ટેબલે પોતે પત્નીને છૂટાછેડા આપી દેવાનો છે તેમ કહી પરિણીતા સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો.
તદુપરાંત, ગત તારીખ ૧૬-૦૧-૨૦૨૬ના રોજ આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો. પરિણીતાના પતિને શંકા જતા તેણે પોલીસમાં અરજી કરી હતી. આ અરજીથી બચવા માટે કોન્સ્ટેબલ પ્રવિણસિંહ રાત્રિના નવ વાગ્યાના સુમારે પોતાની ગાડીમાં પરિણીતાને બેસાડી મહેમદાવાદના આનંદ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેને ત્રણ દિવસ સુધી રાખી ફરીવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો, તેવો આક્ષેપ કરાયો છે. અંતે કંટાળેલી પરિણીતાએ હિંમત કરી પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી, જે અંગે આજે પોલીસે અંતે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


