ગોધરામાં ઇલેક્ટ્રિક પોલ આડો મુકીને પશ્ચિમ એક્સપ્રેસ ઉથલાવવાનું ષડયંત્ર
ચાર ફૂટનો પોલ એન્જિનના આગળના ભાગે ફસાઇ જતા ટ્રેન રોકી દેવામાં આવી, ૧૦ દિવસ પહેલાની ઘટના છતાં રેલવે પોલીસના હાથમાં હજુ કશુ નથી આવ્યુ
દાહોદ : ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડનું કેન્દ્ર બિંદુ રહેલ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પાછળના ષડયંત્રએ આખા દેશને હચમચાવી મુક્યો હતો. હવે ૨૨ વર્ષ બાદ ફરીથી આવા જ કોઇ ષડયંત્રની દુર્ગંધ આવતા રેલવે પોલીસ સહિતનું તંત્ર દોડતુ થયુ છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલા ગોધરા સ્ટેશન નજીક ગત તારીખ ૭ મી જાન્યુઆરીના રોજ ટ્રેન નંબર ૧૨૯૨૫ પશ્ચિમ એક્સપ્રેસના એન્જિનના આગળના ભાગે ઇલેક્ટ્રિક પોલ ફસાઈ જતા ટ્રેન રોકી દેવામાં આવી હતી અને પોલ હટાવ્યા બાદ ટ્રેન ૨૦ મિનિટ લેટ રવાના કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા યાર્ડમાં બાંદ્રાથી અમૃતસર તરફ જતી ૧૨૯૨૫ પશ્ચિમ એક્સપ્રેસ પસાર થઈ રહી હતી તે સમયે એન્જિનના ડાબા પૈડામાં લોખંડનો પોલ ફસાયો હતો. આ સમયે ફૂટ પેટ્રોલિંગમાં નીકળેલ આરપીએફને જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોધરા એડવાન્સ સિગ્નલ પાસે ડાઉન ટ્રેક પર ચાર પાંચ મીટરનો ઈલેક્ટ્રીક પોલ મધ્યમાં આડો મુક્યો હોવાનું સામે આવ્યું હતું જે પોલ એન્જિનના ડાબા પૈડામાં ફસાઈ ગયો હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ ઘટનાની જાણ થતાં જ રેેલવે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને તાબડતોડ રેલવે સત્તાધીશો ઘટના સ્થળે પહોંચ્યા હતા. મેન્ટેનન્સ ટીમે ગાર્ડ અને રેલવે અધિકારીઓની હાજરીમાં એન્જિનમાં ફસાયેલા ઈલેક્ટ્રીક પોલને બહાર કાઢ્યો હતો. આ દરમિયાન પશ્ચિમ એક્સપ્રેસ ૨૦ મિનિટ મોડી પડી હતી. જે અંગે આરપીએફ દ્વારા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. ગોધરા જીઆરપી પોલીસ દ્વારા સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આ મામલે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અત્યંત ગંભીર હોવા છતાં રેલવે તંત્રએ આ સમગ્ર બનાવને ઢાકપીછોડો કરવા માટે પુરતા પ્રયત્નો કર્યા છે બીજી તરફ રેલવે પોલીસે આ બનાવની માત્ર જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને મદગતીએ તપાસ કરી રહી છે. ઘટનાને દસ દિવસ વિત્યા બાદ પણ પોલીસ કોઈ નક્કર કારણ સુધી પહોંચી શકી નથી.
ભંગાર ચોરોએ થાંભલો મુક્યો હોવાનું રેલવે પોલીસનું અનુમાન
ગોધરા યાર્ડમાં પશ્ચિમ એક્સપ્રેસના બનાવ સંદર્ભે આઠ તારીખે અમે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે જેમાં રેલવે ટ્રેકના સાઈડમાં એલાઈમેન્ટમાં ઈલેક્ટ્રીક પોલ પડયો હતો જેનો એક છેડો પશ્ચિમ એક્સપ્રેસના એન્જિન સાથે અથડાતા આ ઘટના બની હોવાનું પ્રારંભિક તપાસમાં આવ્યું છે. આ વિસ્તારમાં ભંગાર ચોરો દ્વારા ભંગાર ચોરીના પ્રયાસો પણ કરવામાં આવે છે તેના આધારે હાલ તપાસ ચાલુ છે.પ્રથમ દ્રષ્ટિએ ભંગાર ચોરો દ્વારા ઈલેક્ટ્રિક પોલ ચોરીને લઈ જતા હશે.તે સમય કોઈ જોઈ જતા પોલ ફેકીને જતા રહ્યા હશે. કેવું હાલ લાગી રહ્યું છે. હાલમાં તપાસ ચાલુ છે. તેવુ રેલવે પોલીસનું કહેવું છે.