જામનગરના વતની અને યુ.કે.માં સ્થાયી થયેલા એક એનઆરઆઇની વસઈ મુકામે આવેલી 10 વીઘા ખેતીની અતી કીમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન

જામનગરના વતની અને હાલ યુકેમાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ વેપારીની જામનગર નજીક વસઈ ગામમાં આવેલી આશરે 10 વીઘા ખેતીની જમીન કે જેના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને પચાવી પાડવામાં આવી હોવાનો કારસો રચાયો હોવાથી આ મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને જામનગર અને મુંબઈના ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, મૂળ જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં રહેતા અને હાલ યુ.કે.માં સ્થાયી થયેલા અમિતભાઈ દામજીભાઈ શાહ યુકેમાં બિઝનેસ કરે છે. તેઓની જામનગર તાલુકાના વસઈ ગામમાં આશરે 10 વીઘા ખેતીની જમીન આવેલી છે. જે જમીનના પોતાના નામે આજથી 25 વર્ષ પહેલાં સને 2,000ની સાલમાં દસ્તાવેજ કરાવેલા હતા, અને યુકેથી સમયાંતરે ભારત આવીને પોતાની જમીનનું નિરીક્ષણ કરતા હતા.
છેલ્લે 2024 સુધી તેઓની જમીન યથાવત જોવા મળી હતી, પરંતુ તાજેતરમાં તેઓને ધ્યાનમાં આવ્યું હતું, કે પોતાની જમીનના દસ્તાવેજ વેચાણ અર્થે જામનગર પંથકમાં ફરી રહ્યા છે, તેથી તેઓએ જામનગર આવીને ખરાઈ કરતાં તેમની જમીન અન્ય ના નામે વેચાણ થઈ ગઈ હોવાનું અને ફરીથી મોટી રકમમાં વેચાણ કરવા માટેનો કારસો ચાલતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી તેઓએ તુરત જ જામનગર ગ્રામ્ય વિસ્તારના પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી, અને તપાસ કરાવતાં ઉપરોક્ત જમીન જામનગરમાં રહેતા ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરીના નામે ટ્રાન્સફર થઈ ગઇ હોવાનું અને મુંબઈના અમિતભાઈ દામજીભાઈ શાહ નામના એક શખ્સે તેનો ખોટો દસ્તાવેજ કરી આપ્યો હતો. ઉપરાંત તેમાં જામનગરના નવીનભાઈ રામજીભાઈ ગોરી અને મુંબઈ ના વતની યોગેશ કેશવજીભાઈ શાહ એ સાક્ષી તરીકે સહી કરી હતી.
ગત 11.2.2025ના રોજ આ બનાવટી દસ્તાવેજો બનાવી લેવાયા હતા, અને જામનગરની સબ રજીસ્ટર કચેરીમાં તેની નોંધણી કરાવી હતી. જેથી ઉપરોક્ત જમીનના ખોટા દસ્તાવેજો બનાવનાર જામનગર અને મુંબઈના ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે સિક્કા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
જેથી સિક્કાના પી.આઈ. જે જે ચાવડાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336-2,336-3,338,339,340-2, 242, 61-2(એ) મુજબ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલાના ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ ફરિયાદના બનાવને લઈને શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.