અમરેલીમાં પત્રકારના નામે ખાનગી હોસ્પિટલનાં સીઈઓ પાસેથી રૂા.40 લાખ વસૂલવાનું ષડયંત્ર
દારૂની પાર્ટીનાં વીડિયો-ફોટા વાયરલ કરવાનું કહીને બ્લેકમેઈલિંગ
નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના સંચાલકનો વારંવાર સંપર્ક કરીને કથિત પત્રકાર સહિત બે શખ્સો એક સપ્તાહથી રૂપિયા માંગતા હોવાની પોલીસ ફરિયાદ
ચકચારી ખંડણી પ્રકરણમાં અમરેલીમાં ચિતલ રોડ પર આવેલી નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ સંચાલિત ગોળ હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા ડો.રામ ભુવાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.૧૭મીએ ગોળ હોસ્પિટલ ખાતે પોતાની ચેમ્બરમાં હતા ત્યારે જયેશ લીંબાણી નામના શખ્સનો ફોન આવ્યો હતો અને એક અખબારનું નામ આપીને પોતે તેનો પત્રકાર હોવાની ઓળખ આપી અહીં સીઈઓ તરીકે ફરજ બજાવતા ડો.અર્પણ જાનીની એક મેટર હોવાનું કહ્યું હતું. બાદમાં કથિત પત્રકાર જયેશ લીંબાણી અને એક અજાણ્યો શખ્સ રૂબરૂ મળવા આવ્યા હતા અને સીઈઓ ડો.અર્પણ જાનીનાં વીડિયો અને ફોટા બતાવ્યા હતા, ફાર્મહાઉસમાં દારૂ-ડાન્સની પાર્ટી કરતા હોવાનું દેખાતું હતું. જે બતાવીને એક પાર્ટી પાસે વધુ વીડિયો-ફોટા હોવાનું કહીને અખબાર, ચેનલો, સોશ્યલ મીડિયામાં બદનામ ન થવું હોય તો તેની સાથે બેઠક કરી રૂા.૪૦ લાખ આપવા અન્યથા બધું વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
પરિણામે ગંભીર મામલે સંચાલક ડો.રામ ભુવાએ સીઈઓ અર્પણ જાનીને વાત કરીને કથિત પત્રકાર જયેશ લીંબાણી સાથે ફોનમાં અને રૂબરૂ વાતચીત કરાવીને તમામ વીડિયો-ફોટા સાથે પાર્ટીને લઈને આવવા કહ્યું હતું. પરંતુ તેણે માત્ર પોતાના મોબાઈલ ફોનમાં એક વ્યક્તિ સાથે વાત કરાવી દીધી, જેણે પણ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની ખંડણી માંગી હતી. બાદમાં વારંવાર કથિત પત્રકાર જયેશના વ્હોટ્સએપ કોલ આવ્યા અને ધાક-ધમકી આપવા સાથે સમજાવટથી મામલો થાળે પાડી લેવાનું કહીને ખંડણીની રકમમાં પણ રૂા.૪૦ લાખથી ઘટાડીને છેલ્લે રૂા.૧૩ લાખ આપીને સમાધાન કરી લેવા સુધી વાત પહોંચાડી હતી. જે રકમ આપ્યાનું નોટરાઈઝ લખાણ પણ આપશે, એવી વાત કરીને ગોળ હોસ્પિટલ ખાતે ગઈકાલે શનિવારે સિધ્ધરાજસિંહ સોલંકી નામની વ્યક્તિના નામનો ૧૦૦ રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ મોકલ્યો હતો. જો કે, આખ્ખો ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા આખરે આજે ગોળ હોસ્પિટલના સંચાલક ડો.રામ ભુવાએ પત્રકાર જયેશ લીંબાણી અને ફોનમાં વાતચીત સમયે ખંડણી માંગનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે.