Gujarat

શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટ તેમજ મિલકત પચાવવાનું કાવતરું

By GS TEAM
17 Jun 20252 mins read
શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટ તેમજ મિલકત પચાવવાનું કાવતરું

ડભોઇ તા.૧૭ શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટના નામે અન્ય ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટની મિલકતો પચાવી પાડવાનું કાવતરું ઘડનાર ડભોઇના છ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી હતી.

ડભોઇમાં પંડયા શેરીમાં જૈન વગામાં રહેતા મેહુલ હસમુખભાઇ શાહે ડભોઇમાં રહેતા રાકેશ નવિનચન્દ્ર જૈન સહિત છ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાઉન્ડ એન્ડ ફરાસખાનાનો ધંધો કરું છું. શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ નામનું જીવદયાના કાર્યો માટેનું ટ્રસ્ટ છે જે ટ્રસ્ટમાં હું વર્ષ-૨૦૧૯થી ટ્રસ્ટી છું. આ ટ્રસ્ટમાં અન્ય લોકો પણ છે. આ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન વર્ષ-૧૯૫૩થી થયું છે. ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની નિમણૂંક શ્રી વિજય દેવસુરી જૈન સંઘ(ડભોઇ જૈન સંઘ) કરાવે તે મુજબ ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવે છે.

ટ્રસ્ટી રાકેશ નવિનચન્દ્ર શાહ ટ્રસ્ટનો તમામ વહીવટ પોતાના હસ્તક લઇ ટ્રસ્ટની મિલકતો રફેદફે કરવાના ઇરાદે ટ્રસ્ટની અસલ ઠરાવબુક તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પોતાના કબજામાં લઇ પોતાના ઘેર રાખતા અંદરો અંદર વિવાદ ઊભા થતાં ટ્રસ્ટના નામે બેંકોના ખાતા બંધ થઇ ગયા હતાં બાદમાં સંસ્થાના હિત માટે બંધ થઇ ગયેલા બેંક ખાતાઓ નિમાયેલ ટ્રસ્ટીઓમાંથી મને તેમજ રાકેશ જૈન અને ચેરિટિ કમિશનર કચેરીના એક કર્મચારીને નિમવા માટે ચેરિટિ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો તે મુજબ વહીવટ ચાલે છે.

તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળની નાંદોળી ભાગોળ ખાતેની ઓફિસ પર એક પોસ્ટમેન ટપાલ લઇને આવ્યો હતો ત્યારે ટપાલમાં સરનામું રાકેશ જૈનના ઘરનું હોવાથી ટપાલી ટપાલ લઇને પરત જતો રહ્યો હતો. બાદમાં હું તેમજ અન્ય ટ્રસ્ટીઓ પોસ્ટ ઓફિસમાં ગયા ત્યારે ત્યાં રાકેશ જૈને ઝઘડો કરી તેઓ ગુસ્સે થઇ ગયા હતાં. બાદમાં રાકેશ જૈન પર વધારે શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારના એનજીઓ દર્પણ પોર્ટલ પર અમે અમારા ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન  હતું પરંતુ રાકેશ જૈને તેમાં રજિસ્ટ્રેશન કરાવી સરનામું પણ બદલી નાંખ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના નામો પણ બદલી નાંખ્યા હતાં. આ અંગે ચેરિટિ કમિશનરમાં ફરિયાદ કરતાં તેની તપાસ ચાલી રહી છે. રાકેશ જૈન તેમજ તેમના મળતિયાઓએ વર્ષો જૂના ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન કરાવેલી મિલકતો પોતાના નામે કરાવી લેવા તેમજ તેનો વહીવટ કરવા માટે નવું રજિસ્ટ્રેશન કરાવી છેતરપિંડી કરી છે.

ધરપકડ થયેલા આરોપીઓના નામો

- રાકેશ નવિનચન્દ્ર જૈન (રહે.પંડયા શેરી, જૈન વગા, ડભોઇ)

- દુષ્યંતકુમાર જયંતિલાલ શાહ (રહે.શામળાજીની શેરી, જૈન વગા, ડભોઇ)

- જીનેશકુમાર નરેન્દ્ર શાહ (રહે.ઉપાશ્રયની લાઇનમાં, જૈન વગા, ડભોઇ)

- શૈલેષકુમાર જીવણલાલ શાહ (રહે.ચન્દ્રપ્રભુની શેરી, જૈન વગા, ડભોઇ)

- દીશાંક પંકજકુમાર શાહ (રહે.જડીયાનો ખાંચો, જૈન વગા, ડભોઇ)

- નરેશચન્દ્ર એન. શાહ (રહે.જડીયાનો ખાંચો, જૈન વગા, ડભોઇ)